વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો

વડોદરા હાઈવે પર ગોલ્ડન ચોકડી પાસે આવેલી સુગમ હોટલ નજીક ટાયરના ગોડાઉનમાં વહેલી સવારે ફાટી નીકળી વિકરાળ આગ. ફાયર બ્રિગેડે મોટો અકસ્માત ટાળ્યો, જાણો સમગ્ર વિગત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 03 Oct 2026 12:52 PM (IST)Updated: Sat, 03 Oct 2026 12:52 PM (IST)
vadodara-golden-chokdi-tyre-godown-fire-news-sugam-hotel-highway-fire-brigade

Vadodara News: વડોદરા શહેર નજીક આવેલા નેશનલ હાઈવે પરની ગોલ્ડન ચોકડી પાસે આવેલી સુગમ હોટલની બાજુમાં સ્થિત એક ટાયરના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં જ્વલનશીલ ટાયરોનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાઈ ગયા હતા.

સવારે ગોડાઉનમાં આગ લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર,આગની ઘટના વહેલી સવારના સમયે બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગોડાઉનમાંથી ધુમાડો અને આગની જવાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકો તથા રાહદારીઓએ તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર બ્રિગેડના લાશ્કરોનો કાફલો ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરો સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ફાયર જવાનોએ આગને કાબૂમાં લીધી

ટાયરોમાં લાગેલી આગ અત્યંત તીવ્ર હોવાથી તેના પર કાબૂ મેળવવો ફાયર ફાઈટરો માટે મોટો પડકાર બની રહ્યો હતો. જોકે, ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનોમારો ચલાવીને અને ભારે જહેમત ઉઠાવીને આખરે ભીષણ આગ પર પૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આસપાસની હોટલ કે અન્ય મિલકતો સુધી આગને પ્રસડતી અટકાવી શકાઈ હતી.

મોટી જાનહાનિ ટળી ગઈ

સદનસીબે વહેલી સવારે ઘટના બની હોવાથી ગોડાઉનમાં કોઈ કર્મચારીઓ કે અન્ય લોકો હાજર ન હતા, જેથી આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેણે મોટી રાહત આપી છે. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ મથકનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ હરણી પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.