વડોદરા: ગીતા લોજના ત્રીજા માળેથી પટકાતાં ભાવનગરના યુવકનું મોત, ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસ તપાસ શરૂ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક હેમલ કુમાર ડાભી મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 11:05 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:05 AM (IST)
vadodara-geeta-lodge-hemal-kumar-dabhi-death-fall-from-third-floor
વડોદરા ગીતા લોજ

Vadodara News: વડોદરા શહેરના પ્રતાપ સિનેમા સામે આવેલી જાણીતી ગીતા લોજમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. લોજના ત્રીજા માળેથી અચાનક નીચે પટકાતા એક યુવાનનું ગંભીર ઈજાઓ પહોંચતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને લોજ પરિસરમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ગીતા લોજના ત્રીજા માળે રોકાયેલા હેમલ કુમાર ડાભી નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર ત્રીજા માળેથી અચાનક નીચે પટકાયો હતો. યુવક નીચે પડતા જોરદાર અવાજ આવ્યો હતો, જેથી લોજના કર્મચારીઓ અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોજ કર્મચારીઓએપરીસ્થિતિની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર તુરંત જ સ્થાનિક પોલીસ મથક તેમજ 108 એમ્બ્યુલન્સને બનાવ અંગે જાણ કરી હતી.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમે સંયુક્ત રીતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હેમલ ડાભીને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો અને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ફરજ પરના તબીબોએ યુવકની તપાસ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન જ હેમલ કુમાર ડાભીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા મૃત્યુની પુષ્ટિ કરાતા જ વાતાવરણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલના PM રૂમ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન લોજમાંથી મળી આવેલા આઈડી પ્રુફ અને નોંધણી વિગતોના આધારે જાણવા મળ્યું છે કે, મૃતક હેમલ કુમાર ડાભી મૂળ ભાવનગરના રહેવાસી હતા. તેઓ વડોદરા કયા કામકાજથી આવ્યા હતા અને લોજમાં ક્યારથી રોકાયા હતા તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.

આ બનાવ અકસ્માતે નીચે પડી જવાનો છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. લોજના કર્મચારીઓ તેમજ આસપાસ હાજર પ્રત્યક્ષદર્શીના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.