વડોદરા: SD Pay એપ કૌભાંડ આચરનાર ગેંગનો મુખ્ય આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી

આરોપીએ SD PAY એપ દ્વારા ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની સ્કીમબતાવી લોકો પાસેથી રોકાણ કરાવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 10:12 AM (IST)Updated: Fri, 25 Sep 2026 10:12 AM (IST)
vadodara-cyber-crime-sd-pay-app-fraud-main-accused-arrested-from-maharashtra
SD Pay App Fraud Main Accused 

SD Pay App Scam: વડોદરા શહેરની સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ડિજિટલ રોકાણના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોબાઈલ એપ્લિકેશન 'SD PAY' મારફતે ઊંચા વળતરની લાલચ આપી સામાન્ય નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમ ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, SD PAY નામની એપ દ્વારા ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની સ્કીમ બતાવી લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રોકાણકારોને વળતર આપવાના બદલે એપ બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના તાર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યા હતા. સાયબર ક્રાઈમની વિશેષ ટીમે ઔરંગાબાદ ખાતે દરોડો પાડીને આરોપી નારાયણ અશોક કાંગની અટકાયત કરી અને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી કૌભાંડમાં વપરાયેલા અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઈલ ફોન અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે તપાસ તેજ કરી છે કે આંતરરાજ્ય રેકેટમાં અન્ય કેટલા સાગરીતો સંડોવાયેલા છે અને મુખ્ય સૂત્રધાર કોણ છે.

હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં કુલ કેટલા નાગરિકો ભોગ બન્યા છે અને કુલ કેટલા કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે હિસાબી ચોપડા અને બેંક એકાઉન્ટની સઘન તપાસ અને પૂછપરછ ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી સાયબર ભોગ બનનાર લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે.