Vadodara Ganeshotsav 2026: સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. શહેરના પોલોગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્તંભ સોસાયટી ખાતે આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે એક અનોખું અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં ઈલોરાની ગુફા નંબર 16માં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક કૈલાસ મંદિરથી પ્રેરિત વિશિષ્ટ થીમ આધારિત મંડપ અને સુશોભન તૈયાર કરાયું છે, જેને નિહાળવા માટે ભક્તોનો ભારે જમાવડો થઈ રહ્યો છે.
આ ભવ્ય ગણેશ ઉત્સવ દરમિયાન આયોજિત મુખ દર્શન કાર્યક્રમમાં ગુર્જરી ચલચિત્ર જગતના જાણીતા કલાકાર દંપતી મલ્હાર ઠાકર અને તેમની પત્ની પૂજા જોષીએ વિશેષ હાજરી આપી હતી. ગણપતિ બાપ્પાના દર્શન કરીને અને કૈલાસ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જેવા વાતાવરણનો અનુભવ કરીને બંને કલાકારો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમણે આયોજકોની સર્જનાત્મકતા અને સુવિધાસભર આયોજનની મુક્ત મને પ્રશંસા કરી હતી.

પ્રથમ વખત વડોદરાના આ ગણેશ મહોત્સવમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરતા મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થી પહેલાં જ બાપ્પાના દર્શન કરવાનો અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવાનો મોકો મળવો એ એક અદ્ભુત અનુભવ છે. સ્થાનિક લોકો તરફથી મળેલા અઢળક પ્રેમ માટે આભાર માનતા પૂજા જોષીએ ઉમેર્યું કે, અહીંનું સકારાત્મક વાતાવરણ અને કારીગરોની નિષ્ઠા મન મોહી લે તેવી છે.
શ્રી રાજસ્તંભ પરિવારના પ્રતિનિધિ જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, તેમની સોસાયટી છેલ્લા ૩૬ વર્ષથી પરંપરાગત રીતે ગણેશોત્સવ ઉજવે છે. ભારતની પ્રાચીન સ્થાપત્યકળા અને ધરોહરથી નવી પેઢી માહિતગાર થાય તેવા હેતુથી આ વખતે આ વિશિષ્ટ થીમ પસંદ કરવામાં આવી છે. આ કૈલાસ મંદિરની પ્રતિકૃતિ સાકાર કરવા માટે સોસાયટીની ટીમે ૭ મહિના અગાઉથી આયોજન હાથ ધર્યું હતું.

આ વિશાળ અને કલાત્મક થીમને તૈયાર કરવા પાછળ 100થી વધુ ઉત્સાહી સ્વયંસેવકો અને નિષ્ણાત કલાકારોએ અઢીથી ત્રણ મહિના સુધી સતત મહેનત કરી છે. કલાકારોની આ અથાક મહેનતના પરિણામે જ આજે પંડાલમાં ભવ્યતા અને દિવ્યતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
