Gandhi Jayanti 2026: આજે 2જી ઓક્ટોબર એટલે કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પવિત્ર જન્મજયંતિ સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. આ વિશેષ અવસરે વડોદરાના ખાદી ગ્રામોદ્યોગ ભવનો અને પ્રદર્શન કેન્દ્રો પર ખાદીના વસ્ત્રો તથા ગૃહ ઉદ્યોગની બનાવટો ખરીદવા માટે વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી રહી છે.
ખાદી ખરીદી માટે લોકોને ખાસ અપીલ
ગાંધી જયંતીના આ ખાસ પ્રસંગે વડોદરામાં નાગરિકોને ખાદીની ખરીદી કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવી હતી. અપીલ કરતા વક્તાએ જણાવ્યું હતું કે,
આજે 2જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ છે. દર વર્ષે આજના પવિત્ર દિવસે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઈને ખાદી વસ્ત્રો અને ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. દેશને ‘આત્મનિર્ભર ભારત’ બનાવવા માટે, નાના ગૃહ ઉદ્યોગો અને હેન્ડલૂમ્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી ખાદીની ખરીદી કરવી અત્યંત જરૂરી છે.
લોકોએ ખાદીને અપનાવવી જોઈએ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ અને ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ના મંત્રને સાર્થક કરવા માટે દરેક નાગરિકે પોતાના દૈનિક જીવનમાં ખાદીને સ્થાન આપવું જોઈએ. ખાદી માત્ર એક કાપડ નથી પરંતુ દેશની આઝાદી, આત્મનિર્ભરતા અને સ્વદેશી ભાવનાનું પ્રતીક છે.
ખાદી ખરીદીથી પરિવારોને મળશે આર્થિક ટેકો
આજના દિવસે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા વિવિધ ઉત્પાદનો અને વસ્ત્રો પર ખાસ વળતર પણ આપવામાં આવી રહ્યું છે, જેને પગલે યુવાનો અને પરિવારો મોટી સંખ્યામાં ખરીદી માટે પહોંચી રહ્યા છે. ખાદીની ખરીદીથી દેશના ગ્રામીણ વિસ્તારોના કસબીઓ, વણકરો અને મહિલા ગૃહ ઉદ્યોગોને સીધો આર્થિક ટેકો મળે છે. સંસ્થાઓ અને અગ્રણીઓએ વડોદરાના તમામ નાગરિકોને આ સુવર્ણ તકે સ્વદેશી અપનાવી ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત લેવા આગ્રહભરી વિનંતી કરી છે.
