પ્રશાંત ગજ્જર, Vadodara Gambling Raid: વડોદરા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે, જેને ડામવા માટે પોલીસ પણ સક્રિય બની છે. વડોદરા જિલ્લાના હલદરવા, વાંકાનેર, ગોસીન્દ્રા, પાટોદ અને જાલમપુર ગામે જુગાર રમી રહેલા અસામાજિક તત્વો સામે પોલીસે સકંજા કસ્યો છે.
આ જુદા જુદા પાંચ ગામોમાં દરોડા પાડીને પોલીસે કુલ 24 પૈકી 22 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે પાંચેય ગામોમાં ઓપરેશન હાથ ધરીને જુગારીઓ પાસેથી કુલ રોકડ રકમ તેમજ બે મોબાઈલ ફોન અને એક બાઈક સહિત કુલ રૂ. 1,18,320 ની મતા જપ્ત કરી છે.
આ પણ વાંચો
કરજણ તાલુકાના હલદરવા ગામની નવીનગરીમાં લીમડાના વૃક્ષની નીચે બેસીને મુકેશ વસાવા, ગોવિંદ વસાવા, અનિલ વસાવા, બોબી વસાવા અને આદમ વસાવા જુગાર રમી રહ્યા હતા. પોલીસ રેડ દરમિયાન બોબી અને આદમ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
સાવલી તાલુકામાં જુગારની બે અલગ-અલગ જગ્યાએ પોલીસે દરોડા પાડ્યા હતા. તાલુકાના વાંકાનેર ગામના ગામેતી વગામાં ગોળ કુંડાળું કરીને જુગાર રમી રહેલા અશરફ મલેક, હનીફ રાઠોડ, મકસુદ રાઉલ, મુકેશ ભોઈ, દશરથ ગોહિલ, મહેન્દ્ર છાસટીયા અને હરેશ ચાવડા મળી કુલ સાત જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા, જેમની પાસેથી સ્થળ પરથી રૂ. 42,820 ની રોકડ કબજે કરાઈ હતી.
આ ઉપરાંત, સાવલી તાલુકાના જ જાલમપુરા ગામે મનુભાઈ ભોઈના ખેતરના શેઢામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જયદીપ વાણંદ, વિનુ ભોઈ, જયંતી ભોઈ, ઉર્વેશ ભોઈ અને જયેશ ભોઈ મળી પાંચ જુગારીઓ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી રૂ. 6,800 રોકડા તેમજ બે મોબાઈલ ફોન અને એક બાઈક સહિત કુલ રૂ. 53,100 ની મતા પોલીસે કબજે કરી હતી. આમ, સાવલી તાલુકામાં પોલીસે બે અલગ-અલગ સ્થળેથી જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
વડોદરા તાલુકાના ગોસીન્દ્રા ગામના વસાવા ફળિયામાં અરવિંદ વસાવા, વિશાલ ઠાકોર, કરણ વસાવા અને હિતેશ વસાવા ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા હતા. પોલીસે દરોડો પાડી આ ચારેય જુગારીઓને રૂ. 11,560 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
પાદરા તાલુકાના પાટોદ ગામના માળીવાસની ખુલ્લી જગ્યામાં બેસીને જુગાર રમી રહેલા ધર્મેશ ગોહિલ, અજય માળી અને રાહુલ માળી એમ ત્રણ જુગારીઓને પોલીસે કુલ રૂ. 10,780 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસની આ સઘન કાર્યવાહીથી જિલ્લાના જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
