વડોદરામાં કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વિઝાના નામે રૂ. 1.23 કરોડની ઠગાઈ, તિરુપતિ ઈમિગ્રેશનના સંચાલક પિતા-પુત્ર સામે ફરિયાદ

વડોદરાના અલકાપુરીમાં આવેલી તિરુપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલક પિતા-પુત્રએ કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વિઝા અપાવવાના બહાને 15થી વધુ લોકો પાસેથી રૂ. 1.23 કરોડની ઠગાઈ આચરી છે. પોલીસે આરોપી જિજ્ઞાસુ પટવા અને કશ્યપ પટવા વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 05:15 PM (IST)Updated: Thu, 20 Aug 2026 05:15 PM (IST)
vadodara-fraud-case-tirupati-immigration-owners-booked-for-rs-123-crore-visa-scam

પ્રશાંત ગજ્જર, Vadodara Fraud Case: વડોદરાના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલી તિરુપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી વિદેશ જવા ઈચ્છુક લોકો સાથે મોટી ઠગાઈ આચરવાના કેસમાં વિવાદમાં આવી છે.

કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને સંચાલક પિતા-પુત્રએ વડોદરા, નડિયાદ, આણંદ, સુરત અને ભરૂચ સહિતના 15થી વધુ લોકો પાસેથી કુલ રૂ. 1,23,06,000 પડાવી લીધા હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

નડિયાદના કન્સલ્ટન્ટ મુદ્રણભાઈ પટેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ જૂન-2023માં પરિવાર સાથે વિદેશ જવા માટે વડોદરાની આ ઇમિગ્રેશન ઓફિસમાં ગયા હતા. કેનેડા વર્ક પરમિટ વિઝા માટે પ્રોસેસ પેટે રૂ. 9.50 લાખનો કરાર કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત આઇઈએલટીએસ (IELTS) ક્લાસના નામે પુત્ર કશ્યપ પટવાએ રૂ. 50 હજાર રોકડા લીધા હતા. બાદમાં અલગ-અલગ તારીખે ચેક અને ઓનલાઈન માધ્યમથી રૂ. 8.50 લાખ તથા કામ ઝડપથી કરાવવાના બહાને વધુ રૂ. 2 લાખ પડાવવામાં આવ્યા હતા.

ભોગ બનનારનો આક્ષેપ છે કે, મોટી રકમ મેળવ્યા બાદ પણ વિઝાની કોઈ યોગ્ય પ્રક્રિયા કરવામાં આવી નહોતી. માત્ર ફોન અને ઈ-મેઈલ દ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવતા હતા. વિઝા રિજેક્ટ થયા હોવાની જાણ સુદ્ધાં કરવામાં આવી ન હતી અને ફાઇલ, જી.સી.કી (GCKey) કે આઈડી-પાસવર્ડ પણ પરત આપવામાં આવ્યા નહોતા.

આ પિતા-પુત્રએ માત્ર નડિયાદ જ નહીં, પરંતુ વડોદરા, આણંદ, સુરત અને ભરૂચ સહિતના અનેક વિસ્તારોના નાગરિકોને શિકાર બનાવ્યા છે. આરોપીઓએ વિવિધ વ્યક્તિઓ પાસેથી રૂ. 11 લાખ, રૂ. 13.50 લાખ, રૂ. 9.50 લાખ અને રૂ. 6.15 લાખ જેવી તોતિંગ રકમો રોકડ અને ઓનલાઈન મેળવીને છેતરપિંડી આચરી હતી.

હાલ પોલીસ દ્વારા ભોગ બનનારાઓની વિગતો મેળવીને તિરુપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલક પિતા પુત્ર જિજ્ઞાસુ પટવા અને કશ્યપ પટવા વિરુદ્ધ કાયદેસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.