પાવાગઢના જંગલમાં યુવકનો આપઘાતઃ પત્ની સાથે માથાકૂટ બાદ વોટ્સએપ પર ઝાડનો ફોટો મોકલી ડાળી સાથે ગળેફાંસો ખાધો

હાલોલના પાવાગઢ રોડ પર પત્ની સાથેની બોલાચાલી બાદ 23 વર્ષીય યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિવારજનોને ફોન અને ઝાડનો ફોટો મોકલ્યા બાદ તેણે આ અંતિમ પગલું ભર્યું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Aug 2026 04:34 PM (IST)Updated: Thu, 20 Aug 2026 04:34 PM (IST)
halol-suicide-man-ends-life-in-pavagadh-forest-following-argument-with-wife

પ્રશાંત ગજ્જર, Halol Suicide: હાલોલના પાવાગઢ રોડ પર આવેલ મિનાર મસ્જિદ નજીકના જંગલ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલી ઘરગથ્થુ બોલાચાલીના ખારમાં 23 વર્ષિય યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ હાલોલના ગંગાનગર-1 વિસ્તારમાં રહેતા સુનિલભાઈ સરતનભાઈ રાઠવા (23) તરીકે થઈ છે. સુનિલભાઈ પીકઅપ ગાડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આર્થિક રીતે પરિવારને સાથ આપતા હતા. ગતરોજ કોઈ બાબતે પત્ની સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવીને સુનિલભાઈ પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળી ગયા હતા.

મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેમની ભારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આપઘાત કરતાં પહેલાં સુનિલભાઈએ પરિવારજનોને ફોન અને મેસેજ કરી પોતે વડાતળાવ તરફ હોવાનું અને જીવન ટૂંકાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે એક ઝાડનો ફોટો પણ વ્હોટ્સએપ પર પરિવારને મોકલ્યો હતો અને ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો.

વ્હોટ્સએપ પર આવેલા મેસેજ અને ફોટોના આધારે ગભરાયેલા પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન પાવાગઢ રોડ પર મીનાર મસ્જિદ નજીકના જંગલમાંથી સુનીલભાઈની એક્ટિવા અને ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક મૃતદેહને નીચે ઉતારી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનોની નોંધ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. નાની એવી બાબતમાં આવેશમાં આવીને યુવાને અંતિમ પગલું ભરતા એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે.