Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થતાં જ સ્થાનિક સ્વરાજ્યની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. માત્ર બે કલાકમાં ખાબકેલા અઢી ઇંચ જેટલા ધોધમાર વરસાદે કોર્પોરેશનના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓનો છેદ ઉડાડી દીધો છે. મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને બેદરકારીનો ભોગ આખરે સામાન્ય જનતા બનવું પડ્યું છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા મુખ્ય નાળાની સમયસર સફાઈ ન થતાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. નાળામાં કચરો અને જાળીઓ જામી જવાથી પાણીનો પ્રવાહ અટકી ગયો હતો, જેને કારણે કલાદર્શન વિસ્તાર તેમજ આસપાસની 20 થી 25થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ નાળું સમગ્ર વાઘોડિયા રોડના પાણી નિકાલ માટે મુખ્ય માર્ગ છે. નાળાની સફાઈ માટે બાર દિવસ અગાઉ જ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં અધિકારીઓએ તેને ગંભીરતાથી લીધી નહોતી." તંત્રની આ ઉદાસીનતાને કારણે આજે સેંકડો પરિવારો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.

માત્ર પૂર્વ વિસ્તાર જ નહીં, પરંતુ આટલાદરા-બિલ રોડ સહિત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો પાણીમાં ગાડીઓ બંધ પડી જવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને રસ્તા પર અટવાઈ પડ્યા હતા.
પરિસ્થિતિ વણસતાં અને લોકોનો આક્રોશ વધતાં કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ મોડેથી ફિલ્ડમાં ઉતર્યા હતા. પાણીના ઝડપી નિકાલ માટે ડ્રેનેજ અને વરસાદી ગટરના ઢાંકણા ખોલીને કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના મતે જો આ કામગીરી વરસાદ પહેલા થઈ હોત તો આવી નોબત ન આવી હોત.

ઉલ્લેખનીય છે કે માત્ર વડોદરા શહેર જ નહીં, પરંતુ કરજણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અઢી ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો તંત્રની આવી જ બેદરકારી લોકોને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે.
