વડોદરા: દીકરીના લગ્ન માટે લોન લેવા જતા પિતાએ ₹28.77 લાખ ગુમાવ્યા, જાણો સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી

સાયબર ઠગોએ ₹5 લાખની લોનની લાલચ આપી વિવિધ ફી અને ટેક્સના નામે ₹28.77 લાખ પડાવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 10 Oct 2026 09:41 AM (IST)Updated: Sat, 10 Oct 2026 09:41 AM (IST)
vadodara-fraud-case-father-loses-28-lakh-in-loan-scam-cyber-police-complaint-filed

Vadodara Cyber Fraud: દીકરીના લગ્નના રૂડા અવસરને ધામધૂમથી ઉકેલવાની ઈચ્છા ધરાવતા એક લાચાર પિતા સાયબર ઠગોની મોહજાળમાં હોમાઈ ગયા છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 55 વર્ષીય બીજુકુમાર દેવાદાસન સાથે ₹28.77 લાખની માતબર રકમની સાયબર ચીટિંગ થતાં ચકચાર મચી ગઈ છે.

માત્ર 4% વ્યાજે ₹5 લાખ લોનની આપી લાલચ

બીજુકુમાર પોતાની દીકરીના લગ્ન માટે પૈસાની જરૂરિયાતમાં હોવાથી લોન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ઠગોએ લોન કંપનીના સિનિયર ઓફિસર તરીકે ઓળખ આપી તેમનો સંપર્ક કર્યો હતો. આરોપી ગોપાલ કુંડુ અને કથિત મેનેજર આકાશ વર્માએ માત્ર 4% સસ્તા વ્યાજદરે ₹5 લાખની લોન મંજૂર કરાવવાની લાલચ આપી. પિતાની મજબૂરીનો લાભ ઉઠાવી ઠગોએ પોતાનું નકલી આઈડી કાર્ડ મોકલીને સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે 19 ટ્રાન્ઝેક્શન

વિશ્વાસ કેળવ્યા બાદ ઠગોએ પોતાની અસલ રમત શરૂ કરી હતી. લોન મંજૂર કરવાના બહાને પ્રોસેસિંગ ફી, સર્વિસ ચાર્જ, NOC અને GST જેવા અલગ-અલગ ચાર્જિસના નામે નાણાંની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. ઠગોએ એવી પણ લાલચ આપી કે આ તમામ રકમ બાદમાં લોનની રકમ સાથે પરત મળી જશે. આ ઝાંસામાં આવીને બીજુકુમારે એકપછી એક એમ કુલ 19 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને ₹28.77 લાખ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.

સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

તમામ નાણાં ચૂકવ્યા છતાં પણ જ્યારે લોનની રકમ ન મળી અને સામેથી વધુ પૈસાની માંગણી ચાલુ રહી, ત્યારે બીજુકુમારને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. દીકરીના લગ્ન માટે ભેગી કરેલી રકમ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આંગણે લગ્નપ્રસંગ હોવા છતાં પિતાએ આખરે સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બોગસ આઈડી અને બેંક એકાઉન્ટ ધરાવતા શખ્સોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.