Vadodara News: નવરાત્રીમાં સાયબર માફિયાઓથી રહો સાવધાન; ગરબા પાસ કે ઓનલાઈન ખરીદી કરતા પહેલાં સાવચેતી જરૂરી

વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર એ ગુજરાતી જાગરણ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકો ઉતાવળમાં હોય છે અને સસ્તા ભાવે પાસ કે કપડાં મેળવવાની લાલચમાં સુરક્ષાના પ્રાથમિક નિયમો ભૂલી જાય છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 07 Oct 2026 03:49 PM (IST)Updated: Wed, 07 Oct 2026 03:49 PM (IST)
vadodara-news-beware-of-cyber-scammers-during-navratri-stay-safe-while-buying-garba-passes

Vadodara News: ગુજરાતમાં નવરાત્રી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ કરોડો લોકોના હૃદયની ધડકન છે. ખેલૈયાઓની આતુરતા, ચણિયા-ચોળી અને કેડિયાની ખરીદી, ગરબા ગ્રાઉન્ડ્સના પાસ મેળવવાની હોડ તથા રોશનીનો ઝળહળાટ વાતાવરણમાં એક અલગ જ ઉલ્લાસ ભરી દે છે. પરંતુ, આ ઉત્સવની ઘેલછા વચ્ચે એક અદ્રશ્ય જોખમ પણ સતત લોકોનો પીછો કરી રહ્યું છે, અને તે છે સાયબર સ્કેમર્સ.

જેમ-જેમ આપણો ગરબા ઉત્સવ ડિજિટલ થયો છે—પાસ બુકિંગથી લઈને ઓનલાઈન શ્રૃંગાર અને ડ્રેસની ખરીદી સુધી—તેમ-તેમ સાયબર અપરાધીઓએ પણ પોતાની જાળ મજબૂત બનાવી છે. લોકોની ઉતાવળ, ડિસ્કાઉન્ટની લાલચ અને ભાવનાત્મક ઉત્સુકતાનો લાભ ઉઠાવીને આ સાયબર ઠગ દર વર્ષે નવરાત્રી પૂર્વે લોકોને ચૂનો લગાડતા આવ્યા છે. નવરાત્રી નજીક આવતા જ ડિજિટલ સ્પેસમાં ટ્રાફિક અને ઓનલાઈન લેવડ-દેવડ પૂરજોશમાં વધી જાય છે.

વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર એ ગુજરાતી જાગરણ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઉત્સવોના આ સમયગાળા દરમિયાન સાયબર ગુનાઓમાં મોટો આંકડાકીય ઉછાળો જોવા મળે છે. લોકો ઉતાવળમાં હોય છે અને સસ્તા ભાવે પાસ કે કપડાં મેળવવાની લાલચમાં સુરક્ષાના પ્રાથમિક નિયમો ભૂલી જાય છે, જે સાયબર ઠગ માટે ઉત્તમ તક બની રહે છે. સોશિયલ મીડિયા પર ફેમસ ગરબા આયોજનોના નામે 50 ટકા ઓફ કે 'બાય 1 ગેટ 1 ફ્રી' વીઆઈપી પાસ જેવી આકર્ષક જાહેરાતો ચલાવવામાં આવે છે, જેથી માત્ર આયોજકોની સત્તાવાર વેબસાઈટ કે અધિકૃત ટિકિટિંગ પાર્ટનર પરથી જ ટિકિટ ખરીદવી હિતાવહ છે.

આ ઉપરાંત, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર ડિઝાઈનર ચણિયા-ચોળી અને જ્વેલરીના વીડિયો દર્શાવી અત્યંત સસ્તા ભાવે વેચવાનો દાવો કરાય છે. અજાણ્યા પેજ કે વેબસાઈટ પરથી ખરીદી કરતા પહેલા તેનું 'કન્ટેક્ટ અસ' પેજ, ગ્રાહકના રિવ્યુ અને કમેન્ટ સેક્શન ચકાસવા ખૂબ જરૂરી છે. જે પેજ પર કમેન્ટ્સ ડિસેબલ હોય ત્યાંથી ક્યારેય ખરીદી કરવી નહીં.

બીજી તરફ, ગ્રાઉન્ડ નજીક પ્રીમિયમ પાર્કિંગ સ્લોટ અથવા રાત્રે પરત ફરવા માટે સ્પેશિયલ કેબ બુકિંગના નામે વોટ્સએપ પર લિંક્સ મોકલવામાં આવે છે. આ અંગે ખાસ યાદ રાખવું કે UPI PIN નો ઉપયોગ માત્ર પૈસા મોકલવા માટે જ થાય છે, પૈસા મેળવવા માટે ક્યારેય PIN ની જરૂર પડતી નથી. તે જ રીતે, 'ઓનલાઈન ગરબા ક્વિઝ' કે 'ફ્રી સ્માર્ટવોચ જીતો'ના નામે લિંક્સ મોકલી વાલીઓની બેંક કે કાર્ડની વિગતો ચોરવામાં આવે છે. આથી બાળકોને પણ સમજાવવું જરૂરી છે કે ઈન્ટરનેટ પર ક્યારેય ફ્રી ગિફ્ટ્સ પાછળ દોડવું નહીં અને OTP ક્યારેય શેર કરવો નહીં.