Vadodara News: વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. પરિણામે સરોવરના 62 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું, જોકે હાલ પાણીની સપાટી 212.94 ફૂટે પહોંચી જતા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે, જ્યારે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 22 ફૂટ માનવામાં આવે છે. હાલ નદીની સપાટી 21.50 ફૂટ સુધી પહોંચી છે, જેના કારણે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
જામ્બુવા પાસે કાર ચાલક પાણીમાં ફસાયો
જામ્બુવા વિસ્તારમાં નદીનું પાણી બ્રિજ પર ફરી વળતાં એક કારચાલક કાર સાથે ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં જ જવાનો તાત્કાલિક પહોંચી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને કારચાલકને સલામત બહાર કાઢ્યો હતો. ઘટનાની ખાસ નોંધનીય બાબત એ રહી કે બ્રિજ પર પાણી હોવા છતાં કોઈ બેરિકેડિંગ ન હોવાથી આ ઘટના બની.

ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડબાય
વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વડસર ગામમાં આવેલ કાંસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન તરફ જતો માર્ગ પૂરમાં ગરકાવ થયો છે. છેલ્લા 24 કલાકથી આ વિસ્તારોમાં 4,000 થી 5,000 લોકો સંપર્ક વિહોણા થયા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે. તંત્ર દ્વારા નદીના વધતા સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો
