વડોદરામાં ફાયર વિભાગ લાલઘૂમ: નિયમોનું ઉલ્લંઘન કરનાર 269 એકમોને નોટિસ, સીલિંગ અને વીજ જોડાણ કાપવાની કડક ચીમકી

વડોદરામાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર 269 હોટલ, હોસ્પિટલ અને કોમર્શિયલ એકમોને ફાયર વિભાગે કડક નોટિસ ફટકારી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 05 Jun 2026 07:38 AM (IST)Updated: Fri, 05 Jun 2026 07:51 AM (IST)
vadodara-fire-department-notice-to-269-units-safety-rules-violation

પ્રશાંત ગજ્જર, વડોદરા: શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગની દુર્ઘટનાઓ અટકાવવા અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિભાગે આક્રમક વલણ અપનાવતા છેલ્લા પાંચ મહિનામાં નિયમોનું ઉલ્લંઘન કરતા 269 જેટલા એકમોને કાયદેસરની નોટિસ ફટકારી છે. ફાયર વિભાગની આ કાર્યવાહીથી નિયમોનું પાલન ન કરતા વેપારીઓ અને સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નિયમો નહીં માનનારા એકમો સામે કડક પગલાં

ફાયર અધિકારી અમિત ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "શહેરમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) વગર ધમધમતા અથવા અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષાના જરૂરી નિયમોનો ભંગ કરતા એકમોને નોટિસ આપીને તાત્કાલિક ખામીઓ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે." તેમણે વધુમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, નોટિસ આપવા છતાં જો કોઈ એકમ દ્વારા બેદરકારી ચાલુ રાખવામાં આવશે, તો આગામી સમયમાં તેમનું વીજ જોડાણ કાપી નાખવામાં આવશે તેમજ હોટલ, રેસ્ટોરન્ટ કે કોમર્શિયલ એકમોને સીલ કરવા સુધીની આકરા પગલાં લેવાશે.

ઈમરજન્સી માર્ગો ખુલ્લા રાખવા અને સિસ્ટમ કાર્યરત રાખવા આદેશ

હાલ વડોદરા શહેરમાં 41 હાઈરાઈઝ અને 69 લોરાઈઝ હોટલોને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા તમામ હોટલ, હોસ્પિટલ, શાળાઓ, મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાની ઈમારતમાં ઈમરજન્સી એક્ઝિટ અને એન્ટ્રીના માર્ગો હંમેશા ખુલ્લા રાખે, જેથી કોઈ પણ કટોકટીના સમયે બચાવ કામગીરી ઝડપથી થઈ શકે. આ ઉપરાંત, બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયર ફાઈટિંગ સિસ્ટમ સતત ચાલુ અને કાર્યરત સ્થિતિમાં હોવી અનિવાર્ય છે.

5 મહિનામાં 678 સ્થળોએ તપાસ અને મોકડ્રિલ

ફાયર વિભાગ દ્વારા જાન્યુઆરીથી મે મહિના દરમિયાન વ્યાપક સ્તરે કામગીરી કરવામાં આવી છે. આ પાંચ મહિનામાં વિભાગની ટીમોએ કુલ 678 સ્થળોએ તપાસ, ફાયર અવેરનેસ તાલીમ અને મોકડ્રિલનું આયોજન કર્યું હતું. આ ઝુંબેશના ભાગરૂપે જ તાજેતરમાં 68 જેટલા સંવેદનશીલ સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને બહુમાળી રહેણાંક ઈમારતોનો સમાવેશ થાય છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, ફાયર વિભાગની કડકાઈ અને નોટિસ મળ્યા બાદ અનેક સભાન એકમોએ પોતાની સિસ્ટમમાં જરૂરી સુધારા-વધારા કરી લીધા છે, જે સકારાત્મક બાબત છે. પરંતુ જે એકમો હજુ પણ જનતાના જીવને જોખમમાં મૂકીને નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે, તેમની સામે કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કાયદાનો કોરડો વીંઝવામાં આવશે.