Vadodara Accident: વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઇસર ટ્રક અને કેટરિંગનો સામાન લઈને જઈ રહેલી બોલેરો પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું અને બોલેરો પિકઅપમાં સવાર ત્રણ કરતાં વધુ લોકોને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
આઇશરે ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારી
ઘટનાની મળતી વિગતો અનુસાર, કેટરિંગનો સામાન ભરીને બોલેરો પિકઅપ વાન ફતેગંજ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સેફ્રોન ટાવર નજીક અચાનક એક આઇસર ટ્રકના ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવતા બોલેરો પિકઅપને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે માર્ગ પર કેટરિંગનો સામાન વેરવિખેર થઈ ગયો હતો અને થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા
આ દુર્ઘટનામાં બોલેરો પિકઅપમાં મુસાફરી કરી રહેલા ત્રણથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ માનવતા દાખવીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આઈસર ચાલક સામે ગુનો દાખલ
બીજી તરફ, આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ આઇસર ટ્રકનો ચાલક કાયદાકીય કાર્યવાહીના ડરથી પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે ફરાર થઈ ગયેલા આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
