Vadodara: તહેવારોની મોસમમાં મોંઘવારીનો માર, વડોદરાના બજારમાં ડ્રાયફ્રૂટ્સ અને ખાંડના ભાવ વધતા મીઠાઈઓ મોંઘી થવાની શક્યતા

વડોદરાના બજારમાં શ્રાવણથી દિવાળી સુધી તહેવારોની મીઠાશ મોંઘી થઈ છે. કિસમિસ, બદામ, એલચી અને ખાંડના ભાવ વધતા મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 25 Aug 2026 02:14 PM (IST)Updated: Tue, 25 Aug 2026 02:14 PM (IST)
vadodara-dry-fruits-and-sweets-price-hike-shravan-to-diwali-festive-inflation

Vadodara News: તહેવારોની મોસમ એટલે ઘરમાં મીઠાઈ, પ્રસાદ, વાનગીઓ અને ભેટસોગાદોની ખરીદીનો આનંદ. પરંતુ આ વર્ષે તહેવારોની આ મીઠાશ પર મોંઘવારીનો ભારે માર પડતો જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગુજરાત સહિત વડોદરાના બજારમાં સુકામેવાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને કિસમિસના ભાવમાં આશરે 80 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, જ્યારે બદામના ભાવમાં 20 ટકા અને એલચીના ભાવમાં 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. બીજી તરફ, ખાંડના ભાવ પણ વધતાં મીઠાઈ બનાવનારા વેપારીઓનું ઉત્પાદન ખર્ચ વધી ગયું છે.

કિસમિસ અને એલચીના ભાવમાં વધારો

બજારમાં કિસમિસનો ભાવ અગાઉ પ્રતિ કિલો રૂ. 250 હતો. જે વધીને સીધો રૂ. 450 પર પહોંચી ગયો છે, એટલે કે, કિલોદીઠ રૂ. 200નો વધારો થયો છે. તેવી જ રીતે, માત્ર એક સપ્તાહ પહેલાં રૂ. 1000 પ્રતિ કિલો મળતી બદામ હવે રૂ. 1200 સુધી વેચાઈ રહી છે. સ્વાદ અને સુગંધ માટે અનિવાર્ય ગણાતી એલચીનો ભાવ પ્રતિ કિલો રૂ. 3500થી વધીને રૂ. 4500 થઈ ગયો છે. આ ઉપરાંત, ખાંડના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન ડ્યૂટી-ફ્રી ખાંડની આયાતને મંજૂરી આપી છે, છતાં સ્થાનિક બજાર પર તેનો બોજ યથાવત છે.

વધતા ખર્ચની અસર તહેવારો પર પડશે

આ કાચા માલના વધતા ખર્ચની સીધી અસર આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ તેમજ નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો પર પડવાની પૂરી શક્યતા છે. શહેરના મીઠાઈ વેપારીઓના જણાવ્યા મુજબ પેંડા, કાજુ કતરી અને અન્ય મીઠાઈના ભાવમાં પહેલેથી જ કિલોએ રૂ. 40થી રૂ. 50નો વધારો કરી દેવાયો છે, જ્યારે આગામી દિવસોમાં સરેરાશ 10 ટકા સુધીનો વધુ વધારો થવાની સંભાવના છે.

તહેવારોમાં ગ્રાહકોને પડશે મોંઘવારીનો માર

આયાત આધારિત સપ્લાય, પરિવહન ખર્ચ, ચલણના દર અને તહેવારો ટાણે અચાનક વધી જતી માંગને કારણે આ ભાવવધારો થયો છે. સુકામેવા, ખાંડ અને કોમર્શિયલ ગેસના વધેલા ભાવના કારણે માત્ર વ્યવસાયિક દુકાનો જ નહીં, પરંતુ સામાન્ય પરિવારનું તહેવારી બજેટ પણ ખોરવાઈ ગયું છે. જો આગામી દિવસોમાં પુરવઠો સુધરે અને ભાવમાં રાહત ન મળે, તો ગ્રાહકોએ આ વર્ષે તહેવારોની ઉજવણી માટે વધુ નાણાં ખર્ચવા પડશે.