વડોદરા નજીક NH-48 પર ટ્રકની અડફેટે સુરતના રઘુભાઈનું મોત, પોલીસે કરી ટ્રકચાલકની અટકાયત

મૃતક રઘુભાઈ સાયણથી બુલેટ લઈને વડોદરામાં રહેતી દીકરીને મળવા માટે આવી રહ્યા હતા, આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 20 Nov 2026 10:51 PM (IST)Updated: Fri, 20 Nov 2026 10:51 PM (IST)
vadodara-dhanyavi-chowkdi-truck-bullet-accident-surat-raghu-bharwad-death

Vadodara Accident News: વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ધનિયાવી ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં બાઈકસવાર 67 વર્ષીય રઘુભાઈ ભરવાડનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ કાર્યવાહી કરતા કપુરાઈ પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધનિયાવી ચોકડી પાસે ટ્રક અને બુલેટનો અકસ્માત

મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર ધનિયાવી ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. બુલેટ પર સવાર થઈને જઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધ ટ્રકની અડફેટે ચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બુલેટસવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે આસપાસના લોકોનાટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને કપુરાઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 

કપુરાઈ પોલીસે કરી આરોપી ટ્રકચાલકની અટકાયત

પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, અકસ્માત સર્જનાર ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળ શું કારણ હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો ભોગ બન્યા સુરતના રઘુભાઈ ભરવાડ

અકસ્માતમાં જીવ ગુમાવનાર વૃદ્ધની ઓળખ 67 વર્ષીય રઘુભાઈ ગાંડાભાઈ ભરવાડ તરીકે થઈ હતી. તેઓ મૂળ ધંધુકાના વતની હતા અને સુરત જિલ્લાના સાયણ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા હતા. રઘુભાઈ પશુપાલન સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારમાં 2 દીકરા અને 3 દીકરીઓ છે.

દીકરીને મળવા સુરતથી વડોદરા આવી રહ્યા હતા

રઘુભાઈ સાયણથી બુલેટ લઈને વડોદરામાં રહેતી દીકરીને મળવા માટે નીકળ્યા હતા. દીકરીને મળવાની આશા સાથે મુસાફરી કરી રહેલા રઘુભાઈને વડોદરા નજીક ધનિયાવી ચોકડી પાસે પહોંચતા જ અકસ્માત નડ્યો હતો. દીકરીને મળવા માટે નીકળેલા પિતાની અંતિમ મુસાફરી સાબિત થઈ હતી.