ડેસર તાલુકામાં ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહનની અડફેટે ચડ્યા બે મિત્ર, ઘટનાસ્થળે જ દમ તોડ્યો

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના રહેવાસી તરીકે થઈ છે. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 30 Dec 2025 04:21 PM (IST)Updated: Tue 30 Dec 2025 04:21 PM (IST)
vadodara-desar-amareshwar-road-accident-two-youths-died-vehicles-hit-their-activa-664774
HIGHLIGHTS
  • ડેસર તાલુકાના અમરેશ્વર ગામ નજીક અકસ્માત સર્જાયો
  • બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા 
  • અજાણ્યા વાહને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી

Vadodara accident: વડોદરા જિલ્લાથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ડેસર તાલુકાના અમરેશ્વર ગામ નજીક પાટિલાય પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને એક્ટિવાને જોરદાર ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જાયા બાદ અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો.

અજાણ્યા વાહને એક્ટિવાને મારી ટક્કર

પ્રાપ્ત માહિતી મુજબ, બંને યુવકો બપોરે પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. તેઓ ડેસરની વાલાવાવ ચોકડી ખાતે નવા કપડાં ખરીદવા ગયા હતા. કપડાં ખરીદી સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ભૈયાપુરા-અમરેશ્વર વચ્ચે પેટ્રોલ પંપ નજીક પાછળથી આવેલા અજાણ્યા વાહને તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા.

બંને યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો

અકસ્માતની જાણ થતા એક અજાણ્યા નાગરિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બંનેના મોત થઈ ગયા હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ મળતા ડેસર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેસર CHC ખસેડવામાં આવ્યા હતા.

ગોધરાના હઠીસિંહની મુવાડી ગામના આશાસ્પદ યુવકો

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના રહેવાસી તરીકે થઈ છે. મૃતકોમાં મેહુલકુમાર સંજયસિંહ ચાવડા અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા સામેલ છે. બંનેને માથા તથા શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવની જાણ પરિવારજનોને થતાં હઠીસિંહની મુવાડી ગામ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ડેસર CHC ખાતે ઉમટી પડ્યા હતા. માતા-પિતા અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો મેહુલ ચાવડા

ઉલ્લેખનીય છે કે, મેહુલકુમાર ચાવડા વેજપુરની વૈજનાથ વિદ્યાલયમાં ધોરણ-9 માં અભ્યાસ કરતો, અને હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખાતો હતો. જ્યારે વિશ્વરાજસિંહ ચાવડા થોડા સમય પહેલાં જ એક ખાનગી કંપનીમાં નોકરીએ જોડાયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી છે. 

વાહનચાલક ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માત સર્જાયા બાદ અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે આસપાસના પેટ્રોલ પંપ તેમજ વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.