Vadodara Accident: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની છે. પૂરઝડપે આવી રહેલી ST બસે બાઈક પર સવાર ત્રણ યુવકોને અડફેટે લીધા હતા. આ બનાવમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ST બસની અડફેટે ચડી બાઈક
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરથી વડોદરા આવતી બારીયા ડેપોની ‘ગુર્જર નગરી એક્સપ્રેસ’ એસટી બસ પંડ્યા બ્રિજ નીચે પસાર થઈ રહી હતી. તે દરમિયાન બાઈક પર સવાર ત્રણ યુવકો બસની અડફેટે આવી જતા તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો
ઈજાગ્રસ્ત યુવકોને સયાજી હોસ્પિટલ ખસેડ્યા
અકસ્માત સર્જાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ, અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
એક યુવકનું મોત, બસચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
અકસ્માતગ્રસ્ત ત્રણ યુવકોમાંથી એક યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાકીના બે યુવકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતને પગલે ફતેગંજ પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બસને કબજે લઈ તપાસ શરૂ કરી છે, અને અકસ્માતના કારણો અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

