Vadodara News: વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ડરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસના નામે આવેલા ફેક કોલનો યોગેશ પટેલે પોતાની આગવી શૈલીમાં જવાબ આપતા સાયબર ઠગ ફોન કાપીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ સાયબર સુરક્ષા અને બોગસ સીમકાર્ડના વેચાણ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
શું હતી સમગ્ર ઘટના?
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, સવારે 11:27 વાગ્યે તેમને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિ ગુજરાતીમાં વાત કરી રહી હતી અને તેણે પોતાની ઓળખ 'મુંબઈ પોલીસ' તરીકે આપી હતી. ઠગે ધમકાવતા કહ્યું કે, "તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, જે મેં તમને મોકલી આપી છે." કોલરના પ્રોફાઈલ પિક્ચરમાં મુંબઈ પોલીસનો લોગો હતો, જે પાછળથી તપાસતા નકલી હોવાનું માલૂમ પડ્યું હતું.
ધારાસભ્યનો જડબાતોડ જવાબ
કોલ કરનારની વાત સાંભળીને યોગેશ પટેલને તરત જ શંકા ગઈ હતી. તેમણે ઠગને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, "ભાઈ, તું જે સ્કૂલમાં ભણ્યો છે ને, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું." ધારાસભ્યનો આ ધારદાર જવાબ સાંભળતા જ સાયબર ઠગ ગભરાઈ ગયો હતો અને તરત જ ફોન કાપી નાખ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત
આ ઘટના બાદ યોગેશ પટેલે તુરંત વડોદરા પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે વડોદરામાં લારીઓ પર ખુલ્લેઆમ વેચાતા સીમકાર્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સૂચન આપ્યું હતું કે, સીમકાર્ડ માત્ર કંપનીના ઓથોરાઈઝ્ડ સેન્ટર પરથી જ મળવા જોઈએ. નવું સીમકાર્ડ લેવા માટે બે સ્થાનિક સાક્ષીઓની સહી ફરજિયાત હોવી જોઈએ. લારીઓ પર ડોક્યુમેન્ટ્સ લઈને અપાતા બોગસ સીમકાર્ડ આ પ્રકારના ગુનાઓનું મુખ્ય કારણ છે.
વધતા જતા સાયબર ફ્રોડ
તાજેતરમાં જ વડોદરાની એક મહિલાને 'હાઉસ અરેસ્ટ' કરી, તેના પતિને ગોળી મારવાની ધમકી આપીને ઠગોએ એક લાખ રૂપિયા પડાવ્યા હતા. યોગેશ પટેલે જણાવ્યું કે સામાન્ય નાગરિકો આવા ફોનથી ડરી જાય છે અને પોતાની જમાપૂંજી ગુમાવે છે. આ મામલે સાયબર સેલના ACP દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

