Vadodara News: વાઘોડિયા તાલુકાના ટીંબી ગામે રહેતા અને છ માસ અગાઉ જ લગ્ન કરેલા 22 વર્ષના યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. યુવકની લાંબી શોધખોળ બાદ લાશ મળતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ટીંબી ગામે રહેતો 22 વર્ષીય રિતેશ રણજીતભાઈ ગોહીલ આરઆર કેબલ કંપનીમાં નોકરી કરતો હતો. તે સેકન્ડ શિફ્ટમાં ફરજ બજાવીને રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે નોકરી પરથી છૂટ્યો હતો. જોકે, તે ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા રાત્રી દરમિયાન તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમય સુધી કોઈ અતાપતા ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
સવારે અડીરણ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે રિતેશની બાઈક મળી આવી હતી. બાઈક પર તેનું હેલ્મેટ, જેકેટ તથા આઈ-કાર્ડ મળી આવતા તેણે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા મજબૂત બની હતી. બનાવની જાણ થતા જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા નર્મદા કેનાલમાં વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકો સુધીની ભારે જહેમત બાદ અંતે રિતેશ ગોહીલની લાશ કેનાલમાંથી મળી આવી હતી. લાશ મળતાં જ પરિવારજનોમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
જરોદ પોલીસે યુવકના મૃત્યુ અંગે અકસ્માત મોતના કાગળો કરી તપાસ શરૂ કરી છે. નવપરિણીત યુવકે કયા કારણોસર આ અતિમ પગલું ભર્યું તે અંગે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાતની ઘટનાઓમાં વધારો થતો જણાઈ રહ્યો છે. બે દિવસ અગાઉ સયાજીપુરા વુડાના મકાનમાં રહેતા 23 વર્ષના ધ્રુવ કનુભાઈ પરમારે પણ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. વચ્છેસર નજીકથી તેની લાશ મળતા ડેસર પોલીસે પણ અકસ્માત મોતના કાગળો કરી તપાસ હાથ ધરી છે.
