Vadodara Navratri 2026: સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીનો ઉત્સાહ પૂરબહારમાં ખીલ્યો છે, ત્યારે શહેરના રાજમહેલ રોડ પર આવેલા ઐતિહાસિક દયાળભાઉના ખાંચામાં યોજાતા શેરી ગરબાએ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. અહીં 'જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ' દ્વારા છેલ્લા 69 વર્ષથી અવિરતપણે પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ ગરબા મહોત્સવમાં "મારી દીકરી, મારા આંગણે" અને "બેટી બચાવો, બેટી પઢાઓ" જેવી પ્રેરણાદાયી થીમ રાખવામાં આવી છે, જેને લોકોએ ખૂબ જ સરાહ્યા છે.
દેવી-દેવતાઓની વેશભૂષા સાથે ગરબા
દયાળભાઉના ખાંચાના આંગણે નવરાત્રીના પાવન અવસરે યુવા-યુવતીઓ અને નાના બાળકોએ વિવિધ દેવી-દેવતાઓની આકર્ષક વેશભૂષા ધારણ કરી હતી. દિવ્ય સ્વરૂપોમાં સજ્જ થઈને ખેલૈયાઓ જ્યારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગરબે ઘૂમ્યા, ત્યારે આ દ્રશ્ય જોઈને ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. બાળકોથી લઈને યુવાનો સુધીના સૌ કોઈએ માતાજીની આરાધના કરી ભક્તિના રંગમાં રંગાઈને ગરબાની મોજ માણી હતી.
રેડ કાર્પેટ પર ખૈલેયાઓ ગરબે ઘૂમ્યા
આ શેરી ગરબાની વિશેષતા એ છે કે, ખેલૈયાઓ માટે ખાસ 'રેડ કાર્પેટ' પાથરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ પ્રકારની રૂકાવટ વગર ઉત્સાહપૂર્વક ગરબાની ભરપૂર મજા માણી શકે. ન્યાયમંદિર નજીક આવેલા આ વિસ્તારમાં આસપાસના તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવા-યુવતીઓ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના એકસાથે ભેગા થઈને પરંપરાગત પ્રાચીન ગરબા રાસ રમે છે.
નવરાત્રીમાં દીકરીઓના સન્માનનો સંદેશ
અહીંના ગરબાની રમઝટમાં જાણીતા ગાયક નીતિન પટેલ અને તેમના સંગીત વૃંદ દ્વારા પ્રસ્તુત થતા મધુર ગરબા અને પરંપરાગત રાસ સૂર રેલાવે છે, જેના પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમે છે. ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને નાની બાળકીઓ, યુવાનો અને યુવતીઓએ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 69 વર્ષ જૂની આ પરંપરા આજે પણ એટલી જ જીવંત અને આકર્ષક છે. દીકરીઓના સન્માન અને સુરક્ષાનો સંદેશ આપતી આ અનોખી નવરાત્રી વડોદરાવાસીઓ માટે અદભુત આસ્થા અને આનંદનું પ્રતિક બની રહી છે.
