Vadodara News: ગુજરાતમાં નવરાત્રીનો પર્વ એટલે ચારેય તરફ ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને હસતા ચહેરાઓ. આધુનિક ડીજે અને આકર્ષક લાઇટિંગ વચ્ચે ગુજરાતમાં આજે પણ કેટલીક એવી પ્રાચીન પરંપરાઓ જીવંત છે, જે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસની સાક્ષી પૂરે છે. સાંસ્કૃતિક નગરી વડોદરામાં એક એવી અનોખી ગરબા પરંપરા ચાલી આવી છે, જ્યાં વર્ષોથી માત્ર પુરુષો જ ગરબા રમીને જગતજનની અંબા માતા ની આરાધના કરે છે.
વડોદરા શહેરના હાર્દસમા માંડવી ટાવર નજીક ઘડિયાળી પોળના નાકે બિરાજમાન સુપ્રસિદ્ધ અંબા માતા અને હરસિદ્ધિ માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રી દરમિયાન એક અત્યંત દિવ્ય અને અનોખું દ્રશ્ય જોવા મળે છે. અહીં કોઈપણ પ્રકારના દંભ, દેખાડા કે આધુનિક સ્પર્ધા વગર સાદગી અને શ્રદ્ધા સાથે માત્ર પુરુષો દ્વારા જ ગરબા ગાવામાં આવે છે અને ગરબે ઘૂમવામાં આવે છે. આ ગરબાની વિશેષતા એ છે કે તેમાં માત્ર પુરુષ ગાયકવૃંદ જ માતાજીના ગુણગાન ગાય છે અને પરંપરાગત વાજિંત્રોના તાલે ભક્તિભાવથી નૃત્ય કરે છે.
આ અનન્ય પરંપરાના ઇતિહાસ પર નજર કરીએ તો, વડોદરાના માંડવી વિસ્તાર સાથે પ્રાચીન કાળના ગાઢ સંબંધો જોડાયેલા છે. ઇતિહાસ અને લોકવાયકા મુજબ રાજા વિક્રમાદિત્યે આ ભૂમિ પર દેહત્યાગ કર્યો હતો, અને તેમના કુળદેવી હરસિદ્ધિ માતાજી માંડવી વિસ્તારમાં બિરાજમાન થયા હતા. સમયના વહેણ સાથે વડોદરામાં અનેક સલ્તનતો અને શાસકો બદલાયા, પરંતુ માતાજી પ્રત્યેની ભક્તિ અને આસ્થામાં ક્યારેય કોઈ ઓટ આવી નથી. વડોદરાના આ સૌથી જૂના ગરબા આજે પણ તે જ પ્રાચીન ગરિમા અને પરંપરાગત શૈલી સાથે ઉજવવામાં આવે છે.
આ પવિત્ર સ્થળે માતાજીના મુખારવિંદ સમક્ષ ભક્તો દ્વારા દીપમાળા પર દીવડા પ્રગટાવવામાં આવે છે. ઢોલક, ત્રાંસા અને મંજીરા જેવા પરંપરાગત વાજિંત્રોના મધુર નાદ સાથે ગરબે ઘૂમતા માઈભક્તોને માતાજીની વિશેષ પ્રસાદી પણ અર્પણ કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં જ્યાં નવરાત્રી વ્યાપારીકરણ અને ભપકા તરફ આગળ વધી રહી છે, ત્યાં વડોદરાની આ પરંપરા આપણને આપણી મૂળ સંસ્કૃતિ, શ્રદ્ધા અને સાદગીની યાદ અપાવે છે. માંડવીના આ પુરુષ પ્રધાન ગરબા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે વડોદરાના સમૃદ્ધ ઐતિહાસિક વારસાનું એક જીવંત પ્રતીક છે.
