Vadodara: ઘરકંકાસથી કંટાળી યુવક 7મા માળેથી આપઘાત કરવા ચડ્યો, પોલીસ-ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ્યો જીવ

પ્રાથમિક માહિતી અનુસાર યુવાન તેના લિવ-ઈન પાર્ટનર સાથે ફ્લેટમાં રહે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Mar 2026 05:02 PM (IST)Updated: Sat, 28 Mar 2026 05:02 PM (IST)
vadodara-darbar-chokdi-matruka-residency-man-suicide-attempt-rescue-operation
HIGHLIGHTS
  • યુવકે કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ
  • પોલીસ-ફાયર બ્રિગેડે જીવ બચાવ્યો
  • ઘરકંકાસના કારણે પગલું ભર્યાની શંકા

Vadodara City News: વડોદરામાં શનિવારે બપોરના સમયે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો. શહેરના દરબાર ચોકડી વિસ્તારમાં આવેલી સાત માળની 'માતૃકા રેસીડન્સી' બિલ્ડિંગમાં એક યુવકે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવક બિલ્ડિંગના ધાબા પર ચડી અને ત્યાંથી નીચે કૂદીને આપઘાત કરવા પ્રયાસ કરતો હતો.

બિલ્ડીંગના ધાબા પર ચડ્યો યુવક

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, શહેરના દરબાર ચોકડી વિસ્તારમાં સાત માળની માતૃકા રેસિડન્સી આવેલી છે. અહીં રહેતો આકાશ નામનો યુવક બપોરના સમયે અચાનક બિલ્ડીંગના સાતમા માળના ધાબા પર ચડી ગયો હતો, અને ત્યાંથી નીચે કૂદીને આપઘાત કરવાની ધમકી આપવા લાગ્યો હતો.

બહુમાળી બિલ્ડીંગના ધાબા પર કિનારે ઉભેલા યુવકને જોઈને નીચે હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, અને વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાને પગલે ગણતરીની મિનિટોમાં જ ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, તાત્કાલિક આ અંગે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

રેસ્ક્યુ ટીમની કાબિલેદાદ કામગીરી

ઘટનાની ગંભીરતાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થિતિને પારખીને રેસ્ક્યુ ટીમે ખૂબ જ શાંતિપૂર્વક બચાવ ઓપરેશન શરૂ કર્યું હતું.

એક તરફ પોલીસ અને ફાયરના જવાનોએ યુવક સાથે વાતચીત કરી તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ કોઈપણ અઘટિત ઘટનાને પહોંચી વળવા નીચે સુરક્ષા જાળ ગોઠવવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. 

અંતે, કલાકોની સમજાવટ અને ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં ટીમને સફળતા મળી હતી. પોલીસ અને ફાયર વિભાગની સતર્કતાને અને સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી અને યુવકને સહીસલામત બચાવી લેવામાં આવ્યો હતો.

આપઘાતના પ્રયાસનું કારણ, ઘરકંકાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જાણવા મળ્યું છે કે આકાશનો તેની મહિલા પાર્ટનર સાથે ઘરકંકાસ ચાલતો હતો. આ વિખવાદના કારણે તે ભારે માનસિક તણાવમાં રહેતો હતો. આખરે આવેશમાં આવીને યુવકે આ આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય લીધો હતો.

હાલ પોલીસે આ યુવકને કસ્ટડીમાં લઈ તેનું કાઉન્સિલિંગ શરૂ કર્યું છે, અને આ પગલું ભરવા પાછળના ચોક્કસ કારણો તેમજ અન્ય વિગતો જાણવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને ફાયર વિભાગના આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બદલ સ્થાનિક લોકોએ તંત્રનો આભાર માની તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.