Vadodara News: વડોદરામાંથી એક યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારીને વાયરલ કરવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ગંભીર આરોપસર દાંડિયા બજાર ફાયર બ્રિગેડ સ્ટેશનના સબ ઓફિસર ઉત્પલ મનુભાઈ પટેલ વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના સામે આવતાં ફાયર બ્રિગેડ બેડા સહિત સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
મળતી માહિતી અનુસાર, આરોપી સબ ઓફિસર ઉત્પલ પટેલ આશરે સાતથી આઠ મહિના પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે ઓનલાઈન વાતચીત શરૂ થયા બાદ ગાઢ મિત્રતા કેળવાઈ હતી. સમય જતાં, ઉત્પલ પટેલે આ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વડોદરા ખાતે આવવા માટે તૈયાર કરી હતી.
આરોપી અને યુવતી લિવ ઈન રિલેશનમાં રહેતા
યુવતી વડોદરા આવી પહોંચ્યા બાદ, ઉત્પલ પટેલે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી માધવપાર્ક સોસાયટીમાં એક મકાન ભાડે રાખ્યું હતું. આરોપી સબ ઓફિસર યુવતી સાથે આ ભાડાના મકાનમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. લિવ-ઈન દરમિયાન તેણે યુવતીની જાણ બહાર અથવા મંજૂરી વિના તેનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હોવાનો ગંભીર આરોપ યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે.
પોલીસે ગુનો નોંધી મોબાઈલ કબજે કર્યો
આ સમગ્ર બાબતની જાણ યુવતીને થતાં તેણે તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ઉત્પલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ગંભીર ફરિયાદના આધારે લક્ષ્મીપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ઓફિસર ઉત્પલ મનુભાઈ પટેલની ધરપકડ કરી લીધી છે.
