Vadodara News: વડોદરામાં સાયબર ફ્રોડ કરનાર ગેંગની નવી અને અત્યંત ખતરનાક પદ્ધતિ બાપોદ પોલીસની તપાસમાં સામે આવી છે. સરકાર તરફથી ₹2500ની સહાય મળશે તેવી લાલચ આપી સામાન્ય નાગરિકોના નામે બેંક ખાતા ખોલાવી, તે ખાતાઓને ‘મ્યૂલ એકાઉન્ટ’ તરીકે ઉપયોગમાં લઈ દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના કુલ ₹50.01 લાખ જેટલા નાણા ફેરવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.
વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા માજીનગરમાં રહેતા જોત્સનાબેન રાયમલભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફરિયાદ મુજબ, નીતીન રાજપુત અને હની સિંધી નામના બે શખ્સોએ નવેમ્બરથી ડિસેમ્બર 2025 દરમ્યાન મહિલાઓ અને અન્ય લોકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેવી વાત કરી દાંડિયા બજાર સ્થિત ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.
આરોપીઓ ખાતા ખોલાવતી વખતે ગ્રાહકોને ભુતડીઝાંપા વિસ્તારમાંથી નવા સીમકાર્ડ ખરીદી આપતા હતા અને આધાર કાર્ડ તથા પાનકાર્ડ જેવા દસ્તાવેજો મેળવી ખાતું ખોલાવવાનું આયોજનબદ્ધ રીતે કામ કરાવતા હતા. ખાતા ખોલાયા બાદ ખાતાધારકો પાસેથી પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ પોતાના કબજામાં લઈ લેવામાં આવતાં હતા. બાદમાં તેમને એટીએમમાં લઈ જઈ પીન જનરેટ કરાવી માત્ર ₹2500 રોકડ આપી દેવામાં આવતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આવા કુલ 12 ખાતાઓમાં નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમ્યાન આશરે ₹50.01 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ તમામ રકમ સાયબર ફ્રોડ મારફતે મેળવવામાં આવેલી હતી અને યુપીઆઈ દ્વારા અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એનસીઆરપી (નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ) પર તપાસ કરતાં આ 12માંથી 4 ખાતાઓ સામે અગાઉથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસે તપાસ દરમિયાન નીતીન શીવમંગસિંહ ભદોરીયા ઉર્ફે નીતીન રાજપુત (રહે. વાઘરીવાસ, વારસીયા) તથા હર્ષ રવિ ગુરબક્ષાની ઉર્ફે હની સિંધી (રહે. મીરાનગર, હરણી-વારસીયા રિંગ રોડ)ની સંડોવણી જાહેર કરી છે. બંને આરોપીઓ બેંકની બહાર ઉભા રહી ખાતાધારકોને અંદર મોકલતા અને ખાતું ખોલાયા બાદ સમગ્ર બેંક કીટ પોતાના કબજામાં લઈ લેતા હતા.
બાપોદ પોલીસે ઇન્ડિયન ઓવરસીસ બેંકમાંથી તમામ 12 ખાતાના સ્ટેટમેન્ટ મેળવી સાયબર ક્રાઇમ વિભાગ સાથે સંકલન કરી વધુ આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ, પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે સરકારી સહાયના નામે કોઈ વ્યક્તિ જો બેંક ખાતા ખોલાવવા કે દસ્તાવેજો માગે તો તરત સતર્ક બની પોલીસને જાણ કરવી.
