Vadodara News: શેરબજારમાં ‘ઈન્સ્ટિટ્યૂશનલ સ્ટોક’ મારફતે મોટો નફો મેળવવાની લાલચ આપી વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા અને મર્ચન્ટ નેવીના 60 વર્ષીય નિવૃત્ત કર્મચારી મહેશભાઈ વાસવાણી સાથે રૂ.1.33 કરોડથી વધુની ઠગાઈનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગઠિયાઓએ નકલી એપ અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વૃદ્ધની જીવનભરની કમાણી ખંખેરી લીધી છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
મળતી માહિતી મુજબ, ગત 3 ઓગસ્ટના રોજ મહેશભાઈ ફેસબુક પર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ‘એસએસબીસી સિક્યુરિટીઝ’ નામે એક આકર્ષક જાહેરાત જોવા મળી હતી. જાહેરાત પર ક્લિક કરતા જ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઠિયાઓએ રોકાણ સંબંધી ટિપ્સ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વિશ્વાસ કેળવીને તેમને ‘761 વીઆઈપી-મહેશ’ નામના ખાસ ગ્રુપમાં જોડી ઈન્સ્ટિટ્યૂશનલ સ્ટોકમાં રોકાણ કરવા પ્રેરિત કરાયા હતા.
ઠગોએ વિશ્વાસ દ્રઢ કરવા માટે એસએસબીસી સિક્યોરિટીઝના નામ અને લોગોવાળું બનાવટી સર્ટિફિકેટ મોકલ્યું હતું અને ગત 19 ઓગસ્ટે 'એચબી અલ્ટ્રા' નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપમાં મોબાઈલ નંબર અને કેવાયસી (KYC) ડોક્યુમેન્ટ્સ મારફતે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર દરમિયાન, એપના ચેટબોટ મારફતે મળેલા અલગ-અલગ બેંક ખાતાઓમાં મહેશભાઈએ રૂ.50 હજારથી લઈને રૂ.50 લાખ સુધીના અનેક ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.1.34 કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
તમામ જમાપૂંજી રોકી દીધા બાદ પણ જ્યારે ગઠિયાઓએ વધુ નાણાંની માગણી ચાલુ રાખી, ત્યારે મહેશભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો હતો. સાયબર ઠગોએ કુલ રૂ.1.34 કરોડમાંથી માત્ર રૂ.1.50 લાખ પરત કર્યા હતા અને બાકીના રૂ.1.33 કરોડ ઓળવી ગયા હતા. હાલ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ટ્રાન્ઝેક્શન થયેલા બેંક એકાઉન્ટ્સ અને મોબાઈલ નંબરોના ટેકનિકલ એનાલિસિસના આધારે સાયબર ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
