લોનના નામે ઠગાઈ આચરતી દિલ્હીની ગેંગનો પર્દાફાશ, નકલી કોલ સેન્ટર ઝડપાયું; વડોદરા પોલીસ બે આરોપીને દબોચ્યા

આરોપીઓએ લોન અપાવવાના નામે વડોદરાના બે લોકો સાથે ₹23.67 લાખની ઠગાઈ આચરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 13 Oct 2026 04:06 PM (IST)Updated: Tue, 13 Oct 2026 04:06 PM (IST)
vadodara-cyber-crime-police-arrest-two-accused-delhi-loan-fraud-gang

Vadodara Crime News: વડોદરા શહેરમાં બેંક લોન અપાવવાની લાલચ આપીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય સાયબર ગેંગનો વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. વિવિધ લોકો પાસેથી ₹23.67 લાખ પડાવનાર ગેંગના બે મુખ્ય આરોપીને વડોદરા પોલીસે દિલ્હીથી દબોચી લીધા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ, આરોપીઓએ બે અલગ-અલગ ગુનામાં મળીને કુલ ₹23.67 લાખની છેતરપિંડી આચરી હતી. જેમાં એક ગુનામાં ₹18.38 લાખ અને બીજા ગુનામાં ₹5.29 લાખની રકમ લોકો પાસેથી પડાવી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ દિલ્હીમાં મોટું કોલ સેન્ટર ઊભું કર્યું હતું અને ત્યાં સ્થાનિક યુવાનોને નોકરી પર રાખીને આખું ઠગાઈનું નેટવર્ક ચલાવતા હતા.

લોનના નામે ચાલતી આ હાઈટેક છેતરપિંડી ઉકેલવામાં સાયબર ક્રાઈમની ટીમ માટે એક ‘ઈમેલ આઈડી’ મહત્વની કડી સાબિત થઈ હતી. ઈમેલ આઈડીના ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ લંબાવીને પોલીસ દિલ્હી સુધી પહોંચી અને બે આરોપીઓ જિતેન્દ્રકુમાર લાલચંદ મૌર્ય (રહે. નોઈડા) અને અભિષેક કુમારહેમલકુમાર (રહે. પૂર્વ દિલ્હી) ની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા બંને આરોપીને દિલ્હીથી વડોદરા લાવવામાં આવ્યા છે. પોલીસે દિલ્હી સ્થિત તેમના કોલ સેન્ટર પરથી 7 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 2 રાઉટર અને 5 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને તેમણે દેશભરમાં અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બેંક લોન મેળવવાની ઉતાવળમાં અજાણ્યા લોકો કે કોલ સેન્ટરના સંપર્કો પર આંધળો વિશ્વાસ કરવો કેટલો ભારે પડી શકે છે, તેનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને લોનના નામે થતી આવી ઠગાઈથી બચવા અને કોઈપણ બિનસત્તાવાર લિંક કે કોલ પર નાણાકીય વ્યવહાર ન કરવા સતર્ક રહેવા અપીલ કરી છે.