Vadodara: શહેરના મકરપુરા વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી પુરુષની ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં લોનના હપ્તાના વિવાદમાં દંપતીએ લોખંડના સળિયાના ઉપરાછાપરી ઘા ઝીંકીને ખાનગી બસ ડ્રાઈવર રમેશ પવારની ઘાતકી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે હિમાંશુ ખડસે અને તેની પત્ની પૂજાની અટકાયત કરી છે.
આ અંગે વિગતો આપતાં વડોદરા DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, રમેશ પવાર ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મકરપુરા વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાં અવાવરું જગ્યાએથી કોહવાઈ ગયેલી હાલતમાં રમેશ પવારની લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરી રહેલી પોલીસે મૃતકની ગતિવિધિઓ અને છેલ્લે કોના સંપર્કમાં હતા, તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો. આ દરમિયાન પોલીસને એક મહત્ત્વની કડી મળી હતી.
મૃતક રમેશ પવારની ઓટોરિક્ષા છાણી કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ઓટોરિક્ષા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શંકાસ્પદ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, લોનના હપ્તા ભરવા અથવા તેની વસૂલાતને લઈને રમેશ પવાર અને આરોપી દંપતી વચ્ચે તીવ્ર વિવાદ થયો હતો.
આ વિવાદ ઉગ્ર બનતાં આરોપી હિમાંશુ ખડસે અને પૂજા ખડસેએ બાજુમાં પડેલ લોખંડના સળિયા વડે રમેશ પવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમના છાતીના ભાગે પાંચથી છ જેટલા ઊંડા ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે રમેશ પવારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના હેતુથી આરોપીઓએ લાશને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકના અવાવરૂ સ્થળે ફેંકી દીધી હતી.
હાલમાં પોલીસે હિમાંશુ અને પૂજા ખડસેને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ મૃત્યુનું ચોક્કસ કારણ, હુમલાની ચોક્કસ પરિસ્થિતિઓ અને આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વડોદરા પોલીસે ટૂંક સમયમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.
