હવે કેસ પેપરની લાંબી લાઈનોમાંથી દર્દીઓને મુક્તિ, નવી સિવિલમાં OPDમાં ભીડ ઘટાડવા ડિજિટલ બારકોડ બુકલેટનું લોન્ચિંગ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વડાપ્રધાનના જન્મદિવસે OPDમાં દર્દીઓની લાંબી લાઈનો ઘટાડવા માટે 'બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ OPD બુકલેટ' લોન્ચ કરી છે. આ નવી વ્યવસ્થાથી દર્દીઓને કેસ પેપર માટે રાહ જોવી નહીં પડે અને ફોલો-અપ સરળ બનશે, જેનાથી ભીડમાં 40% ઘટાડો થવાની અપેક્ષા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 17 Sep 2026 09:40 PM (IST)Updated: Thu, 17 Sep 2026 09:40 PM (IST)
surat-new-civil-hospital-launches-digital-barcode-booklet-to-reduce-opd-crowds

Surat New Civil Hospital: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવી સિવિલ હોસ્પિટલ-સુરતમાં આવતા દર્દીઓની સેવામાં ઉત્તરોત્તર વધારો કરવાના સંકલ્પ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.

દર્દીઓની લાંબી લાઈનો અને ભીડને કાયમી ધોરણે ઘટાડવા માટે આજે 'બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટ' નું લોન્ચિંગ તબીબી અધિક્ષક, આર.એમ.ઓ., તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિસ્ટમ મેનેજર, આઈ.ટી.ટીમ, ઓપરેટર્સના હસ્તે કરવામાં આવ્યું હતું.

સિવિલના મેડિસિન વિભાગમાં દરરોજ લગભગ 1000 દર્દીઓની દૈનિક O.P.D. અને ઓર્થોપેડિક વિભાગમાં 500 દર્દીઓની દૈનિક OPD રહે છે, ત્યારે નવી સિવિલની OPDમાં આવતા દર્દીને હવે કેસ પેપરની જગ્યાએ QR કોડવાળી ડાયરી અપાશે, જેના QR કોડને સ્કેન કરતાં દર્દીની અગાઉની સારવારની વિગતો ડિજિટલ થવાથી ફોલોઅપ સરળ બનશે, જેથી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે અને ભીડ નિયંત્રિત થઈ જશે.

તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, દર્દીઓની સુવિધા અને મહત્તમ દર્દીઓને સેવા સારવાર મળે એ સિવિલ તંત્રનું લક્ષ્ય છે. આ ડિજિટલ સુવિધાથી આગામી 15 દિવસમાં O.P.D.ની લાઈનો અને ભીડમાં અંદાજે 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે તેવી અપેક્ષા છે.

આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ભરત ચાવડા (નોડલ ઓફિસર, કિડની બિલ્ડિંગ), સિસ્ટમ મેનેજર વિરેન પટેલ અને મનીષ યાદવ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ સહિત તબીબો, સિવિલના હોદ્દેદારો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

નવી વ્યવસ્થાથી દર્દીઓ અને પરિજનોને થશે લાભ

સિવિલમાં પ્રથમવાર આવતા દર્દીઓએ કેસ પેપર નહીં પણ ક્યુ.આર. કોડ વાળી બુકલેટ કઢાવવાની રહેશે, જેથી બીજીવાર (ફોલો-અપમાં) આવતા દર્દીઓએ કેસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.

ફોલો-અપ દર્દી સીધા O.P.D.માં નર્સિંગ ટેબલ પર જઈને બારકોડ સ્ટીકર સ્કેન કરાવી શકશે. સ્કેનર દ્વારા ટેબ્લેટમાં ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે, જેથી રજિસ્ટરમાં લખવાનો સમય બચશે અને માનવીય ભૂલો નિવારી શકાશે.

મેડિસિન વિભાગમાં 2 થી વધારીને 4 અને ઓર્થોપેડિક્સમાં 2 થી વધારીને 3 નર્સિંગ/સ્કેનર સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે, જેથી કામગીરી વધુ ઝડપી બનશે.