Surat Viral Video: વરાછામાં બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ, ગ્રીલમાં ફસાયેલા યુવકને પાડોશીઓ પકડીને ધોકાથી ધોઈ નાંખ્યો

સુરતના વરાછા વિસ્તારમાં ચોરી કરવા ઘૂસેલો એક યુવક બંધ બંગલાની સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ તેને પકડીને માર માર્યો હતો, જેનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 17 Sep 2026 04:26 PM (IST)Updated: Thu, 17 Sep 2026 04:26 PM (IST)
surat-viral-video-thief-gets-stuck-in-steel-grill-during-theft-attempt-at-nri-house-in-nana-varachha

Surat Viral Video: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક બંધ બંગલામાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલો શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. જે બાદ સ્થાનિક લોકોએ તેને બહાર કાઢવાની જગ્યાએ ધોઈ નાંખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ કપોદ્રા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક બંગલામાં લગાવેલી સ્ટીલની જાળીની વચ્ચે બરોબરનો ફસાઈ ગયો છે. આ યુવક બહાર નીકળવા માટે મથી રહ્યો છે, પરંતુ તેમ-તેમ તે વધારે ફસાઈ રહ્યો છે. આ દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ જાય છે અને યુવકને ચોર સમજીને તેના પર લાકડીઓથી તૂટી પડે છે. આ યુવક ચોરી કરવાના ઈરાદે બંગલામાં ઘુસ્યો હોવાનું અનુમાન છે.

અરબ સાગર તરફ સરકેલી સિસ્ટમ વિખેરાઈ જતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, હવે 4 દિવસ માત્ર હળવાથી મધ્યમ ઝાપટા જ પડશે

આ અંગે કપોદ્રા પોલીસ સ્ટેશનના PI એમ.આર. સોલંકીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો નાના વરાછાની રાજારામનગર સોસાયટીનો છે. જ્યારે આ ઘટના લગભગ 15 દિવસ પહેલાની છે.

પ્રાથમિક તપાસમાં આ બંગલો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતો. જેનો ફાયદો ઉઠાવીને યુવક અંદર ઘુસ્યો હતો. જો કે યુવક કોણ હતો અને બંગલામાં કેમ ઘુસ્યો, તેના વિશે હજુ સુધી સ્પષ્ટ જાણકારી નથી મળી.

જ્યારે આ બંગલાના માલિક કિશોરભાઈ વર્ષોથી અમેરિકામાં રહે છે. જેમનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, અમારા બંગલામાં કોઈ ચોરી નથી થઈ અને ઘરનું તાળું પણ નથી તૂટ્યું. આથી ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. હાલ તો પોલીસ લોખંડની ગ્રીલમાં ફસાયેલા ચોરની ઓળખ કરવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.