અરબ સાગર તરફ સરકેલી સિસ્ટમ વિખેરાઈ જતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, હવે 4 દિવસ માત્ર હળવાથી મધ્યમ ઝાપટા જ પડશે

બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર તરફ સરકીને વિખેરાઈ જતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર, હવે આગામી દિવસોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં જ પડશે, ભારે વરસાદની શક્યતા નહિવત છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 17 Sep 2026 12:00 AM (IST)Updated: Thu, 17 Sep 2026 12:00 AM (IST)
paresh-goswami-weather-update-light-to-moderate-showers-expected-in-gujarat-for-next-4-days-gujarat-rain-news

Paresh Goswami Weather Update: બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ચાલી રહેલા વરસાદી રાઉન્ડમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો કવર થઈ ગયા છે.

આ વરસાદી રાઉન્ડમાં રાજ્યના લગભગ 80 ટકા ભાગોમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે 20 ટકા વિસ્તારોમાં માત્ર સામાન્ય ઝાપટા જ પડ્યા છે એટલે કે આ વીસ ટકા ભાગો હજુ પણ વરસાદથી વંચિત છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે. 

વરસાદી સિસ્ટમ વિખેરાઈ જતાં વરસાદનું જોર ઘટ્યું

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જો કે 16 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે અને માત્ર હળવા-મધ્ય ઝાપટા જ ચાલુ રહ્યા છે.

અત્યારે આ વરસાદી સિસ્ટમ અરબ સાગર તરફ આગળ વધીને વિખેરાઈ ગઈ છે. આથી હવે ફરીથી મજબૂત બનીને અતિભારે વરસાદ આપે તેવી શક્યતા નથી. આમ છતાં આગામી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે.

18 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે ભારે વરસાદના ઝાપટા પડી શકે

હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આજે 17 સપ્ટેમ્બરે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવા ઝાપટા ચાલુ રહેશે. જો કે 18 સપ્ટેમ્બરે ઝાપટાનું પ્રમાણ અને તીવ્રતા થોડી વધશે. જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય-ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે તીવ્ર ઝાપટાં અને એક-બે સેન્ટર પર સારો વરસાદ થઈ શકે છે.

જ્યારે 19 સપ્ટેમ્બરે ફરીથી વરસાદનું જોર ફરી ઘટી જશે. આ દિવસે માત્ર બોટાદ, ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ઝાપટાં નોંધાઈ શકે છે. તેમજ 20 સપ્ટેમ્બરે માત્ર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને લાગુ વિસ્તારોમાં જ ઝાપટાં જોવા મળશે. જ્યારે 21 સપ્ટેમ્બરથી માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની તીવ્રતા નહિવત થઈ જશે.