Gujarat Weather Forecast: સૌરાષ્ટ્ર પાસે અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સ્થિર, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ગઈકાલે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય રહેલું લો પ્રેશર એરિયા આજે સૌરાષ્ટ્ર અને તેની સરહદે આવેલા ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર સ્થિર થયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 16 Sep 2026 03:48 PM (IST)Updated: Wed, 16 Sep 2026 03:48 PM (IST)
gujarat-weather-forecast-light-to-moderate-rain-likely-across-state-for-next-7-days

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગઇકાલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ચોમાસું સક્રિય રહ્યું હતું. જોકે રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં અનુભવાયા હતા. હાલ અરબ સાગરમાં એક લો પ્રેશર એરિયા સૌરાષ્ટ્ર પાસે સ્થિર છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલ ભારે વરસાદની શક્યતા નથી. આજે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

લો પ્રેશર એરિયા સૌરાષ્ટ્ર પાસે સ્થિર થયું

પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી આગામી 19 સપ્ટેમ્બર 2026ની આસપાસ નૈઋત્યના ચોમાસાની વિદાય માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ગઈકાલે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય રહેલું લો પ્રેશર એરિયા આજે સૌરાષ્ટ્ર અને તેની સરહદે આવેલા ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર સ્થિર થયું છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.

આ સિવાય, ચોમાસાની ટ્રફ રેખા હાલમાં સૌરાષ્ટ્ર અને નજીકના ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર બનેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને ડીસા, જયપુર, આગ્રા, લખનૌ, ગયા, સાગર આઇલેન્ડ થઈને દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. ઉત્તર થાઇલેન્ડ પર બનેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ત્યાં નવું લો પ્રેશર સર્જાશે જે બાદમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ ગતિ કરશે. હાલમાં ગુજરાતમાં નીચલા સ્તરે દક્ષિણથી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

આજે 16 સપ્ટેમ્બરે હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 16 સપ્ટેમ્બર 2026ના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

17થી 22 સપ્ટેમ્બર હળવો વરસાદ થઇ શકે

18થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.