Vadodara News: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા બાદ વડોદરા ભાજપ દ્વારા સાંસદ સન્માન સમારોહનું 16 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાંથી આપણને વર્ષોથી મત મળતા નથી એ વિસ્તારમાં બજેટના પૈસા વપરાય નહીં. આ નિવેદનને લઇને શહેર કોંગ્રેસ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે અને કહ્યું છેકે, તેમણે તેમની માનસિકતા છતી કરી છે.
વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહે સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યોને સંબોધીને એવું નિવેદન આપ્યું હતું કે, અમુક વસ્તુ બહુ સ્પષ્ટતાથી આપણે કેળવવી જોઇએ. 2019ની ચૂંટણી, 2020ની કોર્પોરેશનની ચૂંટણી, 2022ની વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો દરેક વખતે અમુક જ પ્રકારના બુથમાંથી ભાજપને મત મળે છે. રાવપુરા વિધાનસભાની વાત કરું તો અને દરેક વખતે અમુક પ્રકારના બુથમાંથી ભાજપને મત મળતા નથી.
અથવા તો બહુ ઓછા મત મળે છે. 700, 800 કે 1000 લોકોનું વોટિંગ હોય અને તેમાંથી સિંગલ ડિઝિટમાં, ડબલ ડિઝિટમાં જ્યારે ભાજપને મત મળે છે ત્યારે મંચ પર બેસેલા મુખ્ય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિચારવું જોઇએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઇએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ કે 10 વર્ષથી મત મળતા નથી.
બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલનું નિવેદન સામે આવ્યું કે, "શહેર ભાજપ પ્રમુખના નિવેદને તેમની માનસિકતા છતી કરી છે. વડોદરાની જનતા સાથે ભાજપે અન્યાય કર્યો છે. આજે પણ વડોદરાના લોકો વિકાસથી વંચિત છે. શહેર ભાજપ પ્રમુખે વિવાદિત નિવેદન આપી મતદારોને ધમકાવ્યા છે.
કોંગ્રેસ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું જેમાં તેમને ભાજપ નેતાઓ પર નિશાન સાંધતા જણાવ્યું કે, બીજેપીના નેતાઓને સક્સેસ મગજ પર ચઢી ગઈ છે. વિજય શાહ સહિત તમામ નેતાઓને ભાન થશે. તમે પ્રજા થકી ચૂંટાઈ ને આવો છો, ત્યારે તમારે પ્રજાના કામ કરવાના હોય છે. હું વડોદરા શહેરના લોકોને પણ અપીલ કરું છું કે તમે પણ હવે જગો. ડૉ. વિજય શાહ ભણેલા વ્યક્તિ છે. આ પ્રકારનું નિવેદન તેમની માનસિકતા છતી કરે છે. એમને ખ્યાલ નથી તેઓ શું બોલી રહ્યા છે. વડોદરા શહેરના વિકાસ કરવો હોય તો તમામ વિસ્તારનો વિકાસ કરવો જોઈએ. મોદીના નામ પર આટલા મતોથી વિજયી બન્યા છે, તેમને સફળતા સહન નથી થઈ રહી. આવી ભાગલાવાદી વિચારધારા ન હોવી જોઈએ.
