Kolkata Stampede Reason: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના જાણીતા ચોરબાગાન વિસ્તારમાં આવેલા સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં 'મહાસપ્તમી'ની સાંજે અચાનક નાસભાગ મચી જવાથી 19 નિર્દોષ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોમાં 4 પુરુષો, 2 બાળકો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે.
કેવી રીતે સર્જાઈ આ ભયાનક નાસભાગ?
મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે આશરે 7:15 વાગ્યે 'મહા સપ્તમી'ના અવસરે ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં દર્શનાર્થીઓની અદ્ભુત ભીડ જામી હતી. પંડાલ સાંકડી 'રાધા માધવ સાહા લેન'માં આવેલો હોવાથી ત્યાં અગાઉથી જ ભારે ભીડ હતી. આ દરમિયાન અચાનક ભારે વરસાદ શરૂ થતાં પંડાલ બહાર ઊભેલા લોકો ઝડપથી અંદર તરફ ધસવા લાગ્યા હતા.
જે લોકો પહેલેથી જ પંડાલની અંદર હતા તેઓ ભીડમાં ફસાઈ ગયા અને બહાર નીકળવાના માર્ગ તરફ જઈ શક્યા નહીં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બહાર નીકળવાના રસ્તા પર આવેલા દાદર પર કેટલાક લોકો અચાનક લપસીને પડી ગયા, અને પાછળથી ધક્કો મારીને આવી રહેલા લોકોના પ્રવાહમાં તેઓ કચડાઈ ગયા હતા. આ અફરાતફરી વચ્ચે 19 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ઘાયલોમાંથી 11 લોકોને તાત્કાલિક SSKM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીની મોટી જાહેરાતો
આ ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રીએ પીડિત પરિવારો માટે મોટી જાહેરાતો કરતા મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય અને 'ગ્રુપ-ડી' શ્રેણીની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઘાયલોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે અને દરેક ઘાયલને 5 લાખ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે જેથી તેઓ પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરાવી શકે.
ઘટનાની પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીએ રવિવારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને, હાલમાં ફરજ બજાવી રહેલા ન્યાયાધીશના નેતૃત્વમાં SIT ની રચના કરવાની વિનંતી કરી છે. પૂજા સમિતિના સભ્યો અને ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ
બંગાળ ભાજપના પ્રમુખ શામિક ભટ્ટાચાર્યએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ એક ખાનગી સુરક્ષા એજન્સીની જાહેરાત અને સીટીઓના કારણે પરિસ્થિતિ વણસી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં રાજકીય નિવેદનબાજી ટાળીને પીડિત પરિવારોની પડખે ઊભા રહેવા અને દોષિતોને કાયદાકીય સજા અપાવવા પર ભાર મૂક્યો હતો.
