Vadodara Crime News: સંસ્કારીનગરી વડોદરામાં ગણેશ ઉત્સવ વચ્ચે ફાળાના નામે લુખ્ખાગીરીનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઐતિહાસિક અને વ્યસ્ત એવા ચોખંડી વિસ્તારમાં ગણેશજીના ફાળાના નામે કેટલાક યુવાનોએ વેપારી પાસે દાદાગીરી કરી મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ, ચોખંડી વિસ્તારમાં આવેલી એક રાજસ્થાની કુલ્ફીની દુકાને સ્થાનિક ગણેશ મંડળના યુવકો ફાળો ઉઘરાવવા માટે પહોંચ્યા હતા. યુવાનોએ દુકાનદાર પાસે 21,000 રૂપિયાના મોટા ચંદાની માંગણી કરી હતી. વેપારીએ આર્થિક ક્ષમતા મુજબ 1,000 રૂપિયાનો ફાળો આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે, આ સાંભળતાં જ ઉશ્કેરાયેલા યુવાનોએ ભારે ઉગ્ર વર્તન શરૂ કર્યું અને 21,000 રૂપિયા જ જોઈએ તેમ કહી દાદાગીરી પર ઉતરી આવ્યા હતા.
વેપારીએ આટલી મોટી રકમ આપવાની ના પાડતાં જ યુવાનોએ દુકાનદાર સાથે બોલાચાલી કરી મારપીટ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, આવેશમાં આવીને લુખ્ખાઓએ કુલ્ફીની દુકાનમાં તોડફોડ કરી ગ્રાહકો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં યુવાનોની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ ઘટના બાદ ભયભીત થયેલા દુકાનદારે હિંમત ભેગી કરી તુરંત જ વાડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો અને તોડફોડ તેમજ મારામારી કરનાર યુવાનો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
ગણેશ ઉત્સવ જેવા પવિત્ર તહેવારના નામે વેપારીઓને લૂંટવાનો અને દાદાગીરી કરવાનો આ કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિક વેપારી મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે આવા અસામાજીક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે જેથી તહેવારો દરમિયાન વેપારીઓ ભયમુક્ત રીતે પોતાનો વ્યવસાય કરી શકે.
