વડોદરા સેન્ટ્રલ જેલમાં ભાવુક માહોલ વચ્ચે રક્ષાબંધન ઉજવાઈ: ધારાસભ્ય ચૈતર વસાવાને બહેનોએ બાંધી રાખડી

વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી થઈ. ધારાસભ્ય ચૈતર વસાવાને ચાર બહેનોએ રાખડી બાંધી, જ્યારે કેદીઓએ બહેનોને ભેટમાં તુલસીના રોપા આપ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 28 Aug 2026 02:06 PM (IST)Updated: Fri, 28 Aug 2026 02:06 PM (IST)
vadodara-central-jail-rakshabandhan-chaitar-vasava-sisters-rakhi

Vadodara Rakshabandhan 2026: વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ભાવુક અને અનોખા માહોલમાં ઉજવાયો હતો. સમગ્ર રાજ્યમાં જ્યારે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના આ તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ અંદાજે 1700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે જેલમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમની ચાર બહેનોએ રાખડી બાંધી હતી, જે દરમિયાન પરિવારની આંખોમાં આંસુ અને ભાઈ જલ્દી મુક્ત થાય તેવી પ્રબળ ભાવના જોવા મળી હતી.

ચૈતર વસાવાની બહેને રાખડી બાંધી

ધારાસભ્ય ચૈતર વસાવાને રાખડી બાંધ્યા બાદ તેમની બહેન પુષ્પાબેન વસાવાએ જણાવ્યું હતું કે, પરિવાર આજે ખૂબ દુઃખી છે અને ભાઈ જેલમાં હોવાનો ભારે અફસોસ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ વહેલી તકે જેલમાંથી બહાર આવી જાય. અન્ય બહેનો સૂક્ષમબેન વસાવા અને કાશીબેન વસાવાએ પણ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વે ભાઈ જેલમાં હોવાથી પરિવાર ભારે વેદના અનુભવી રહ્યો છે. જેલ પ્રશાસન દ્વારા અગાઉથી જ રજિસ્ટ્રેશન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાથી બહેનોએ તબક્કાવાર જેલમાં પહોંચીને પોતાના ભાઈઓની લાંબા આયુષ્ય અને મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.

વડોદરા સેન્ટ્રલ જેલમાં વિશેષ ઉજવણી

આ વિશેષ ઉજવણી અંગે માહિતી આપતા વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ.એન. રાઠવાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય જેલોના વડા કે.એલ.એન. રાવ, ડી.આઈ.જી. સ્પેશિયલ ડો. કરનરાજ વાઘેલા અને જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ એમ.એન. રાઠવાના માર્ગદર્શન હેઠળ જેલની ચુસ્ત શિસ્ત અને સલામતી વચ્ચે આ કાર્યક્રમ યોજાયો છે.

ભાઈઓએ તેમની બહેનોને અનોખી ગિફ્ટ આપી

આ પ્રસંગે જેલ પ્રશાસન દ્વારા પર્યાવરણ જાગૃતિનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. સામાન્ય રીતે રક્ષાબંધન પર ભાઈ દ્વારા બહેનને ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે જેલમાં બંધ ભાઈઓએ પોતાની બહેનોને ગિફ્ટ રૂપે તુલસીના રોપા આપ્યા હતા. જેલ તંત્ર દ્વારા બહેનોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ છોડને ઘરે લઈ જઈ તેનું યોગ્ય વાવેતર અને જતન કરે, જેથી સમાજમાં હરિયાળી અને પર્યાવરણની રક્ષાનો ઉત્તમ સંદેશ પ્રસરે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પર્યાવરણના સંદેશ સાથેની આ ઉજવણી સહુ માટે યાદગાર બની રહી હતી.