વડોદરામાં ‘બ્રીંગ ચિલ્ડ્રન બેક ટૂ સ્કૂલ’ અભિયાન: ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા મેયર-કમિશનરે વાલીઓને સમજાવ્યા

વડોદરામાં બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મેયર અને કમિશનરે 'બ્રીંગ ચિલ્ડ્રન બેક ટૂ સ્કૂલ' અભિયાન હેઠળ વાલીઓના દ્વારે જઈને સઘન ઝુંબેશ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 04 Jun 2026 10:57 AM (IST)Updated: Thu, 04 Jun 2026 10:57 AM (IST)
vadodara-bring-children-back-to-school-campaign-mayor-geetaben-makwana

પ્રશાંત ગજ્જર, વડોદરા: વડોદરા શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ‘બ્રીંગ ચિલ્ડ્રન બેક ટૂ સ્કૂલ’ અભિયાન હેઠળ વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ પોતે વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈ વાલીઓને સમજાવવાની સઘન કામગીરી હાથ ધરી છે.

16,774માંથી મોટાભાગના બાળકો પરત ફર્યા

ગત વર્ષે વડોદરા શહેરની શાળાઓમાં ધોરણ 1 થી 10માં કુલ 16,774 વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ નોંધાયા હતા. સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી, URC, CRC અને શાળાના આચાર્યો તેમજ શિક્ષકોની ટીમે કરેલી સઘન મહેનતને કારણે મોટાભાગના બાળકોને શાળાએ પાછા લાવવામાં સફળતા મળી છે. જોકે, હાલમાં પણ 6,396 વિદ્યાર્થીઓ હજુ શિક્ષણથી વંચિત છે. આ બાકી રહેલા બાળકોનું વિશ્લેષણ નીચે મુજબ છે:

  • સ્થળાંતરિત થયેલા વિદ્યાર્થીઓ: 2,893
  • ⁠ભણવાની ના પાડનારા વિદ્યાર્થીઓ: 2,891
  • ⁠અનેટ્રેસેબલ (શોધી ન શકાયેલા) વિદ્યાર્થીઓ: 666

પદાધિકારીઓ મેદાનમાં: દીકરીઓને પ્રવેશની બાંહેધરી

ભણવાની ના પાડનારા 2,891 વિદ્યાર્થીઓને પુનઃ શાળાએ મોકલવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, મેયર ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે સ્થાનિક આગેવાનો સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. વાલીઓને સમજાવવામાં આવ્યા હતા કે, બાળકોના શિક્ષણથી તેમનું ભવિષ્ય સુધરશે અને વડોદરાને શ્રેષ્ઠ નાગરિકો મળશે.

મ્યુનિસિપલ કમિશનર અને શાસનાધિકારી વિપુલ ભરતીયાએ સયાજીપુરા ગામ અને આજવા રોડ ગોકુલ નગરની મુલાકાત લીધી હતી. ત્યાં ધોરણ-8 પાસ કર્યા બાદ એક વર્ષથી ડ્રોપઆઉટ થયેલી ચાર દીકરીઓ—ડિમ્પલબેન ભરવાડ, ડીસા ભરવાડ, ઈશા ભરવાડ અને રાજલ ભરવાડના વાલીઓને કમિશનરે ખાસ વિનંતી કરી હતી.

તેમણે આ ચારેય દીકરીઓને આગામી સત્રથી વંદના હાઈસ્કૂલમાં ધોરણ-9માં પ્રવેશ અપાવવાની બાંહેધરી આપી હતી. બીજી તરફ, ડે. મેયર આદિત્ય પટેલે રાવપુરા રેનબસેરા ખાતે પ્રદીપ બેલસર નામના વિદ્યાર્થીના ઘરે જઈ તેને પ્રોત્સાહિત કરી નજીકની શાળામાં પુનઃપ્રવેશ કરાવ્યો હતો.

મેયરે નવાપુરામાં ૩ બાળકોને શાળાએ મોકલ્યા

મેયર ગીતાબેન મકવાણા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજનાબેન ઠક્કરે નવાપુરા ગોદડીયા વાસ વિસ્તારની મુલાકાત લીધી હતી. ધોરણ-4થી અભ્યાસ છોડી દેનાર અંશ ગોદડીયાના માતા-પિતાને સમજાવી પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ સાથે જ કાજલબેન ગોદડીયા અને સાચી ગોદડીયાને પણ નજીકની શાળામાં પ્રવેશ કરાવી શિક્ષણના માર્ગે વાળ્યા હતા.

7 દિવસીય મહાઅભિયાન

આગામી ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ યોજાય તે પહેલા શહેરના તમામ ડ્રોપઆઉટ બાળકોને શાળાએ લાવવા માટે આગામી 7 દિવસ સુધી સાંસદ, ધારાસભ્યો અને કાઉન્સિલરો પણ ઘરે-ઘરે જશે. લોકપ્રતિનિધિઓની આ સક્રિયતાથી બાકી રહેલા તમામ બાળકો ટૂંક સમયમાં જ ફરી હાથમાં પેન અને પુસ્તક પકડી શાળાના પગથિયાં ચઢશે તેવી આશા બંધાઈ છે.