વડોદરામાં ઉમેદવારોના નામ જાહેર થતાં ભાજપમાં ભડકોઃ પોર બેઠક પર ટિકિટ કપાતા નારાજ નયનાબેન હવે અપક્ષ ચૂંટણી લડશે

નયનાબેને ભાજપ સામે બાંયો ચડાવી. જનતાના આગ્રહ અને સમર્થકોની લાગણીને માન આપી હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 09 Apr 2026 11:27 PM (IST)Updated: Thu, 09 Apr 2026 11:27 PM (IST)
vadodara-bjp-faces-rebellion-nayanaben-parmar-to-contest-as-independent-from-por-seat
HIGHLIGHTS
  • પોર બેઠક પર ભાજપે અંકિતા પરમારને ઉમેદવાર બનાવતા સ્થાનિક સ્તરે વિરોધના સુર ઉઠ્યા

Vadodara: ગુજરાતની સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી બાદ અનેક બેઠકો પર અસંતોષ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને પોર બેઠક પર ઉમેદવારની પસંદગીને લઈ ભાજપમાં મોટો ભડકો થયો છે.

જિલ્લા પંચાયતની પોર બેઠક માટે પક્ષ દ્વારા અંકિતા પરમારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા છે. પક્ષના પાયાના કાર્યકરો અને દાવેદારોમાં એવી ચર્ચા છે કે, લાંબા સમયથી જનતા વચ્ચે રહેલા અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. આ અસંતોષને પગલે હવે પોર બેઠક પર ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.

પોર બેઠક પરથી ટિકિટ માટે પ્રબળ દાવેદાર ગણાતા નયનાબેન પરમારની બાદબાકી થતા તેમણે પક્ષ સામે બાંયો ચડાવી છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા નયનાબેને હવે મેદાનમાં ઉતરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. તેમના પતિ રાજેશ પરમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું છે કે, જનતાના આગ્રહ અને સમર્થકોની લાગણીને માન આપીને નયનાબેન હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. રાજેશ પરમારની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રાજકીય સમીકરણો બદલાયા છે.

એવું મનાય છે કે, નયનાબેન પરમાર આગામી 11 એપ્રિલના રોજ પોતાના સમર્થકો સાથે જઈને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી પત્ર ભરશે. આ દિવસે તેઓ મોટા પાયે શક્તિપ્રદર્શન કરી પોતાની લોકપ્રિયતા સાબિત કરવાના મૂડમાં છે.

એક તરફ ભાજપ તમામ બેઠકો પર જીતનો દાવો કરી રહી છે, ત્યારે પોર બેઠક પર ઉભો થયેલો આ આંતરિક વિખવાદ પક્ષના વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે. જો નયનાબેન અપક્ષ ઉમેદવારી નોંધાવે છે, તો મતોનું વિભાજન થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનો સીધો ફાયદો વિરોધ પક્ષને મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના મોવડી મંડળ આ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહે છે કે પછી પોર બેઠક પર ભાજપના જ બળવાખોર ઉમેદવાર પક્ષને ભારે પડે છે.