VMC Election 2026: વડોદરા ભાજપમાં ટિકિટ માટે ‘મહાભારત’, સંગઠનની બેઠક રદ કરી તમામ દિગ્ગજોને ગાંધીનગર તેડાવ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા ભાજપના ઉચ્ચ હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 07 Apr 2026 11:42 AM (IST)Updated: Tue, 07 Apr 2026 11:42 AM (IST)
vadodara-bjp-called-leaders-to-gandhinagar-amid-vmc-election-ticket
HIGHLIGHTS
  • વડોદરા ભાજપમાં ટિકિટ માટે ‘મહાભારત’
  • દિગ્ગજ નેતાઓને ગાંધીનગર બોલાવ્યા
  • 76 બેઠકો માટે 1434 દાવેદારો નોંધાયા

Gujarat Election 2026: વડોદરા શહેર ભાજપમાં આગામી ચૂંટણીની ટિકિટ ફાળવણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટતા અને આંતરિક ખેંચતાણ વધવાના કારણે સ્થાનિક સ્તરે મળનારી મહત્ત્વની સંગઠન બેઠક અચાનક રદ કરી દેવામાં આવી છે.

શહેર પ્રભારી અને નિરીક્ષકો વડોદરા ન પહોંચી શકતા, હવે ટિકિટનું આ મંથન સ્થાનિક સ્તરેથી ખસીને સત્તાના કેન્દ્ર ગાંધીનગર પહોંચ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, દાવેદારોની આટલી મોટી સંખ્યા પાર્ટીમાં રહેલો ઉત્સાહ દર્શાવે છે, પરંતુ બીજી તરફ તે આંતરિક અસંતોષને પણ આમંત્રણ આપી શકે છે.

76 બેઠકો માટે 1434 દાવેદારોનો રાફડો

વડોદરાની 76 બેઠકો માટે આ વખતે રેકોર્ડબ્રેક 1434 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. સરેરાશ એક બેઠક પર 18 થી 20 દાવેદારો મેદાનમાં હોવાથી સંગઠન માટે કોઈ એક નામ પર સહમતી સાધવી લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં દાવેદારોને સંભાળવા તે પાર્ટી હાઈકમાન્ડ માટે પણ એક મોટો પડકાર બની ગયો છે.

તમામ દિગજ્જ નેતાઓ ગાંધીનગર રવાના

સ્થાનિક બેઠક રદ થતા જ વડોદરાના સાંસદ, તમામ ધારાસભ્યો અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે જૂથવાદ અને નારાજગી વધુ ન વકરે તે હેતુથી સમગ્ર પ્રક્રિયાને ગાંધીનગર ખસેડવામાં આવી છે. હવે મંત્રીઓ અને નિરીક્ષકો ગાંધીનગર સ્થિત કાર્યાલયથી જ આખી પ્રક્રિયાનું સંચાલન કરશે.

લોબિંગ અને આંતરિક ગોઠવણનો દોર તેજ

ટિકિટ ફાળવણી પહેલા જ પાર્ટીમાં આંતરિક ચર્ચા અને પોતાના નજીકના માણસોને ગોઠવવા માટેનો દોર શરૂ થઈ ગયો છે. દાવેદારો પોતાના આકાઓ દ્વારા જોરશોરથી લોબિંગ કરાવી રહ્યા છે. ગાંધીનગર ખાતે મંત્રીઓ અને નિરીક્ષકો વડોદરાના નેતાઓ સાથે વન-ટુ-વન બેઠક કરીને ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરશે.

હાલ તો વડોદરાના સમગ્ર રાજકીય આલમની નજર ગાંધીનગર પર ટકેલી છે. હવે ગાંધીનગરથી લેવામાં આવનાર નિર્ણય વડોદરા ભાજપનું ભવિષ્ય અને ચૂંટણીના પરિણામો નક્કી કરશે. કોનું પત્તું કપાશે અને કોને લોટરી લાગશે, તે અંગે તર્ક-વિતર્ક તેજ બન્યા છે.