Vadodara News: વડોદરા શહેરના ઝડપથી વિકસતા ભાયલી-સેવાસી વિસ્તારમાં નાગરિકો માટે એક ભવ્ય અને આધુનિક લિનિયર પાર્ક તથા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સિનિયર આર્કિટેક્ટ દીપ્તિ વર્મા દ્વારા ડિઝાઇન કરાયેલા આ પ્રોજેક્ટમાં બાળકો, યુવાનો અને બુઝુર્ગો તમામ વયજૂથના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઊભી કરાશે.
વિશેષ પ્રોજેક્ટની શું છે ખાસિયત?
આ સુંદર પ્રોજેક્ટ અંતર્ગત કેનાલની સમાંતરે 1.2 કિલોમીટર લાંબો વૉકિંગ અને સાઇકલિંગ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેમાં 4 મીટર પહોળો સર્વિસ રોડ-કમ-સાઇકલ ટ્રેક અને 7 મીટરનો લીલોછમ ગ્રીન બફર ઝોન બનાવવામાં આવશે. સમગ્ર પરિસરમાં 15 હજારથી વધુ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં નયનરમ્ય લેન્ડસ્કેપિંગ અને ગ્રીન કોરિડોર વિકસાવવામાં આવશે, તેમજ જમીનનું ધોવાણ અટકાવવા માટે ખાસ ટર્કિંગ કરવામાં આવશે.
આકર્ષક ફ્લોરલ ક્લોક ગાર્ડન બનાવાશે
અહીં શહેરનું બીજું આકર્ષક 'ફ્લોરલ ક્લોક' ગાર્ડન બનાવવામાં આવશે. રાત્રિના સમયે આ સ્થળ પ્રકૃતિ અને બ્રહ્માંડની સુંદરતાથી ઝળહળી ઊઠશે. પ્રાણીઓ, પતંગિયાં, સૂર્યમુખી, મશરૂમ, દરિયાઈ જીવો, ફૂલો અને બ્રહ્માંડની ગલેક્સી થીમ પર આધારિત મનમોહક લાઇટિંગ અને ગ્લો ગાર્ડનનું ખાસ આયોજન કરાયું છે. દર બે મીટરે મુકાયેલી એલઇડી બુલાર્ડ લાઇટિંગથી આખો માર્ગ રોશન થશે.
શહેરીજનોને મળશે વિશેષ સુવિધાઓ
નાગરિકોની સુવિધા માટે અહીં કમ્યૂનિટી અને એક્ટિવિટી પ્લાઝા, જાહેર મેળાવડા માટે પ્રવેશ ફોરકોર્ટ તથા એન્ટ્રી પેવિલિયન બનાવશે. સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા થીમ આધારિત શિલ્પો, સ્કલ્પચર વોક અને સ્ટોરી વોક ઉમેરાશે. આ ઉપરાંત વાહનોના યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા, આઉટડોર બેઠક વ્યવસ્થા, ઝૂલા, ગઝિબો, કાફે આઉટલેટ, ઓપન જિમ અને ઈ-ટોઇલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
બાળકો માટે 1થી 5 અને 5થી 10 વર્ષના અલગ-અલગ પ્લે ઝોન બનાવાશે, જેમાં શોક-એબ્સોબિંગ રબર ફ્લોરિંગ સાથે સ્લાઈડ, ક્લાઈમ્બિંગ ફ્રેમ અને ઇન્ટરેક્ટિવ સાધનો મુકાશે. સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રહેશે.
