Vadodara News:વડોદરાના હાથીખાનામાં AC યુનિટ અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ; એક જ પરિવારના 5 સભ્યો ઈજાગ્રસ્ત

Vadodara News:વડોદરા શહેરના ગીચ વસ્તી ધરાવતા હાથીખાના વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના સામે આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Oct 2026 08:56 PM (IST)Updated: Mon, 12 Oct 2026 08:56 PM (IST)
ac-unit-and-gas-cylinder-explode-in-vadodaras-hathikhana-5-members-of-same-family-injured-house-suffers-heavy-damage

Vadodara News:વડોદરા શહેરના ગીચ વસ્તી ધરાવતા હાથીખાના વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના સામે આવી છે. હાથીખાના વિસ્તારમાં આવેલી બડી મસ્જિદ નજીકના એક રહેણાંક મકાનમાં અચાનક એર કંડિશનર (AC) ના આઉટડોર યુનિટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકમાં મુકેલા રસોઈ ગેસના સિલિન્ડરે પણ તાત્કાલિક આગ પકડી લીધી હતી અને ક્ષણવારમાં ગેસનો બાટલો પણ ધડાકાભેર ફાટ્યો હતો.

આ બેવડા વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં ધડાકાના અવાજથી અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ થયો તે સમયે મકાનમાં હાજર પરિવારના પાંચ સભ્યો તેની ચપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ બનતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

આ દુર્ઘટનામાં વસીમ મલેક, તઇજા મલેક, મહેમુદા મલેક, શહેનાઝ મલેક અને રૂબીના મલેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્તોની સઘન સારવાર ચાલી રહી છે.

સદ્નસીબે આટલા પ્રચંડ વિસ્ફોટ છતાં કોઈ મોટી જાનહાની કે મૃત્યુ નોંધાયું નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, ગેસ સિલિન્ડર ફાટવાને કારણે મકાનની દીવાલો, છત અને અંદર રહેલી તમામ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.