Vadodara Fire Incident: વડોદરાના મધ્યમાં આવેલા પથ્થરગેટ નજીક બકરાવાડી રોડ પર સ્થિત લાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બકરાવાડી વિસ્તારમાં આવેલી આ લાકડાની વખારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ગોડાઉનમાં જ્વલનશીલ લાકડાનો મોટો જથ્થો હાજર હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાઈ ગયા હતા. લાકડાના કારણે આ બળતણ ઝડપથી પ્રસરી રહ્યું હતું અને જોતજોતામાં જ્વાળાઓ ગોડાઉનની આસપાસના વિસ્તારોમાં પણ ફેલાવા લાગી હતી, જેને પગલે નજીકના રવિસ્તારમાં રહેતા લોકોમાં ભય અને ચિંતાની લહેર દોડી ગઈ હતી.
આ બનવાની ગંભીરતા જોઈને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સ્થિતિ વણસતી જોઈને સ્થાનિકોએ તરત જ સમયસૂચકતા વાપરી વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને તાત્કાલિક ટેલિફોનિક જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી ફાયર બ્રિગેડની 4 જેટલી ટીમો ફાયર ફાઈટરોના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તથા જ્વાળાઓને વધુ પ્રસરતી અટકાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, રાહત અને બચાવ કામગીરી દરમિયાન ખુલ્લા વીજ વાયરો સૌથી મોટો પડકાર બન્યા હતા. ગોડાઉન આસપાસ લટકી રહેલા વિજ વાયરોના કારણે ફાયર બ્રિગેડના જવાનો માટે આગ બુઝાવવાની કામગીરી અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગઈ હતી.
શોર્ટ સર્કિટ કે વીજ કરંટની ભયંકર શક્યતાને પગલે કામગીરીમાં અડચણ ઊભી થઈ, જેથી વીજ કંપનીનો સંપર્ક સાધી તાત્કાલિક વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની કલાકોની મહેનત અને મથામણ બાદ આગ પર આંશિક કાબૂ મેળવાયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાકડાના ગોડાઉનમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
