Vadodara Awas Scam: ભાજપ નેતાના પુત્ર સહિત 3 શખ્સોએ ₹8.50 લાખ પડાવી VMCના નકલી દસ્તાવેજો પધરાવ્યા

વડોદરાના હરણીમાં PM આવાસ યોજનાના નામે મોટી છેતરપિંડી. ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી સહિત 3 આરોપીઓએ VMCના બોગસ સિક્કાવાળા દસ્તાવેજો આપી ₹8.50 લાખ પડાવ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 26 Nov 2026 08:40 PM (IST)Updated: Thu, 26 Nov 2026 08:40 PM (IST)
vadodara-awas-scam-bjp-leaders-son-2-others-defraud-more-then-rupees-8-lakh

Vadodara Awas Scam: પોતાના ઘરનું સપનું જોતા સામાન્ય નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી લાખો રૂપિયા ખંખેરતી ટોળકીનો વધુ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે મકાન અપાવવાની લાલચ આપી ₹8,50,000ની ઠગાઈ આચરવા બદલ હરણી પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ જ ગેંગ વિરુદ્ધ અગાઉ ગોરવા પોલીસ મથકમાં પણ છેતરપિંડીની પાંચ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે.

મોટનાથ રેસીડેન્સીમાં સસ્તા મકાનની લાલચ આપી જાળ બિછાવી

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદી અને સાહેદ વાંસતીબેનનો સંપર્ક કરીને હરણી વિસ્તારમાં આવેલી ‘મોટનાથ રેસીડેન્સી’ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના F-ટાવરના મકાન નંબર 106નો સોદો સસ્તામાં કરાવી આપવાની વાત કરી હતી. આરોપીઓની વાતોમાં વિશ્વાસ મુકીને ફરિયાદી અને સાહેદે ટુકડે-ટુકડે રોકડ તેમજ બેંક ટ્રાન્સફર મારફતે કુલ ₹8.50 લાખ ચૂકવી દીધા હતા.

સરકારી કચેરીઓમાં બોલાવી વિશ્વાસ સંપાદન કર્યો

ભોગ બનનારાઓને કોઈ શંકા ન જાય તે માટે આરોપીઓએ આખો ખેલ કાયદેસરની પ્રક્રિયા જેવો જ ઊભો કર્યો હતો. તેમણે ફરિયાદીને ભાયલી–સેવાસી કેનાલ રોડ પરની એક ઓફિસ અને સમા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ બોલાવ્યા હતા. ત્યાં અલગ-અલગ કાગળો અને ડ્રાફ્ટિંગ પર તેમની સહીઓ પણ લેવામાં આવી હતી, જેથી મકાનની ફાળવણી સાચી હોવાનો ભરોસો બેસે.

VMCના બનાવટી ગોળ સિક્કા મારી બોગસ દસ્તાવેજો પધરાવ્યા

પૂરેપૂરી રકમ હાથમાં આવી ગયા બાદ આરોપીઓએ પોતાની અસલી ચાલ ચાલી હતી. તેમણે બાનાખત, દસ્તાવેજ, ડિક્લેરેશન ફોર્મ, રજિસ્ટ્રેશન પહોંચ અને ઇન્ડેક્ષ જેવા મહત્વપૂર્ણ કાગળો જાતે જ તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખતા હોય તેમ તેના પર વડોદરા મહાનગર સેવા સદન (VMC)ના ખોટા અને બનાવટી ગોળ સિક્કા મારીને ફરિયાદીને આપી દીધા હતા. પાછળથી ખરાઈ કરતા આ તમામ દસ્તાવેજો નકલી હોવાનું ખુલતા ફરિયાદીને પોતાની સાથે મોટી છેતરપિંડી થયાનો અહેવાલ થયો હતો.

ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

આ સમગ્ર મામલે હરણી પોલીસે ભાજપ નેતાના પુત્ર કશ્યપ રાકેશભાઈ જોષી, જીલ અશોકભાઈ બારોટ અને અક્ષય રમણભાઈ સોલંકી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કપુરાઈ અને ગોરવા બાદ હવે હરણી પોલીસ મથકમાં પણ આ ટોળકીના કારનામા ખુલતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.