Vadodara Accident News: સંસ્કારી નગરી વડોદરાના અમિતનગરથી L&T રોડ પર મોડી સાંજે એક અત્યંત સનસનાટીભર્યો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી લાલ રંગની મહિન્દ્રા થાર ગાડીના ચાલકે બેફામપણે વાહન હંકારીને રસ્તા પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે યુવતીઓ સહિત અનેક લોકો રસ્તા પર પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં બે યુવતીઓ ઈજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, અમિતનગર સર્કલથી L&T રોડ તરફ જતા માર્ગ પર અચાનક આવી પહોંચેલી લાલ રંગની થારે આગળ જઈ રહેલાં બે થી ત્રણ વાહનોને એકપછી એક ધડાકાભેર અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનચાલકો રસ્તા પર ફેંકાઈ ગયા હતા, જેમાં બે યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જાયા બાદ તુરંત જ સ્થાનિક રહીશો અને રસ્તેથી પસાર થતા અન્ય વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ચાલક નશામાં હોવાની આશંકા
અકસ્માત સર્જ્યા બાદ થારનો ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, થાર ચાલક અત્યંત ગફલતભરી અને ભયજનક રીતે વાહન ચલાવી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે ચાલક નશાની હાલતમાં ધૂંધવાયેલો હતો અને તેના કારણે જ તેણે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો.
સ્થાનિક પોલીસે કાર્યવાહી શરુ કરી
ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી, ટ્રાફિક હળવો કરાવ્યો હતો. હાલમાં પોલીસે ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજ્ઞાત થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને કિલર થારના નંબર અને ચાલકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
