Vadodara News: વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માંજલપુર સ્થિત પ્રખ્યાત અંબે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના રહેણાંક મકાનની પાંચમા માળની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા સ્થિત 'રાધે રેસિડેન્સી'માં રહેતી આ માસુમ વિદ્યાર્થિની બપોરે નિત્યક્રમ મુજબ શાળાએથી છૂટીને ઘરે પરત ફરી હતી. ઘરે આવ્યાના થોડા જ સમયમાં તે બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ટેરેસ પર ગઈ હતી અને ત્યાંથી અચાનક નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી પટકાવાને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ધડાકાભેર અવાજ થતાં જ આસપાસના રહીશો અને પરિવારજનો દોડી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને પરિવારમાં અરેરાટી અને ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
પોલીસ તપાસ ધમધમાટ
ઘટના અંગે તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. નાની વયની વિદ્યાર્થિનીના આ રહસ્યમય પગલાંને પગલે પંથકમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે
આપઘાતનું કારણ અકબંધ
શું માનસિક તણાવ, અભ્યાસનું ભારણ કે પછી અન્ય કોઈ અંગત કારણ હતું? તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસે બનાવ સ્થળેથી કોઈ સુસાઈડ નોટ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પરિવારજનો, સહપાઠીઓ તથા શાળાના શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને આપઘાત પાછળનું સાચું કારણ જાણવા કાયદેસરની તપાસ ચાલુ કરી છે.
