Vadodara Fire Incident:વડોદરા શહેરમાં દિવાળીના તહેવારો નિમિત્તે ફટાકડા અને અન્ય કારણોસર શહેરના વિવિધ વિસ્તારોમાં આગના બનાવો સામે આવ્યા હતા. તહેવારો પૂર્ણ થયા બાદ પણ આ સિલસિલો યથાવત રહેતા આજે ગુરુવારના રોજ શહેરના અલકાપુરી વિસ્તારમાં એક ટેલર શોપમાં આગ લાગી હતી.
અલકાપુરી વિસ્તારમાં 'ન્યૂ અજંતા ટેલર્સ' નામની દુકાન બંધ હતી, ત્યારે અચાનક દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા. બંધ દુકાનમાંથી નીકળતા ધુમાડા જોઈને આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ગભરાટ સાથે અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી.
કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ લાશ્કરો અને ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. દુકાન બંધ હોવાથી અંદર કપડાં અને અન્ય સામગ્રી સળગવાના કારણે અત્યંત ગાઢ અને ગૂંગળામણ ભર્યો ધુમાડો ભરાઈ ગયો હતો. સ્થિતિની ગંભીરતા જોતા, ફાયર બ્રિગેડના જવાનો સુરક્ષાના ભાગરૂપે ઓક્સિજન માસ્ક પહેરીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત અને સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો, જેના કારણે આસપાસની અન્ય દુકાનોમાં આગ પ્રસરતી અટકી હતી. પ્રાથમિક તપાસમાં દુકાનની અંદર થયેલા વીજ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સદનસીબે, આગ લાગી ત્યારે દુકાન બંધ હોવાથી અંદર કોઈ નહોતું, જેથી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. જોકે, આગ અને ધુમાડાના કારણે દુકાનમાં સિલાઈ માટે રાખેલા કપડાં, મશીનરી અને અન્ય કિંમતીમાલ-સામાન બળીને ખાખ થઈ જતાં દુકાનદારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
