Vadodara New Urban Development Project: વડોદરા શહેરના વિકાસમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાયલી-સેવાસી વિસ્તારમાં નાગરિકો માટે એક ભવ્ય અને અત્યાધુનિક લિનિયર પાર્ક તથા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહેવાસીઓ માટે ન માત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે, પરંતુ શહેરીજનોને પ્રકૃતિની વધુ નજીક લાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સિનિયર આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરાયેલી આ ડિઝાઇનમાં બાળકો, યુવાનો અને વડીલો એમ તમામ વયજૂથના નાગરિકોની જરૂરિયાતોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલની સમાંતરે 1.2 કિલોમીટર લાંબો આકર્ષક વૉકિંગ અને સાઇકલિંગ કોરિડોર વિકસાવવામાં આવશે. આ કોરિડોરમાં ૪ મીટર પહોળો સર્વિસ રોડ-કમ-સાઇકલ ટ્રેક અને 7 મીટરનો લીલોછમ ગ્રીન બફર ઝોન બનાવવામાં આવશે. સમગ્ર પરિસરમાં 15 હજારથી વધુ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં નયનરમ્ય લેન્ડસ્કેપિંગ ઊભું કરાશે, તેમજ જમીનનું ધોવાણ અટકાવવા માટે ખાસ ટર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. આ ઉપરાંત, આ પાર્કમાં શહેરનું બીજું આકર્ષક 'ફ્લોરલ ક્લોક' ગાર્ડન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પણ વાંચો

રાત્રિના સમયે આ સ્થળની સુંદરતા બેવડાઈ જાય તે માટે અદભુત આયોજન કરાયું છે. પ્રાણીઓ, પતંગિયાં, સૂર્યમુખી, મશરૂમ, દરિયાઈ જીવો, ફૂલો અને બ્રહ્માંડની ગલેક્સી થીમ પર આધારિત મનમોહક લાઇટિંગ અને ગ્લો ગાર્ડન તૈયાર થશે, જ્યારે દર બે મીટરે મુકાયેલી એલઇડી બુલાર્ડ લાઇટિંગ સમગ્ર માર્ગને રોશન કરશે. નાગરિકોની સુવિધા માટે કમ્યૂનિટી અને એક્ટિવિટી પ્લાઝા, જાહેર મેળાવડા માટે પ્રવેશ ફોરકોર્ટ તથા એન્ટ્રી પેવિલિયનનું નિર્માણ કરાશે. કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે થીમ આધારિત શિલ્પો, સ્કલ્પચર વોક અને સ્ટોરી વોક પણ ઉમેરવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં મુલાકાતીઓની સુખાકારી માટે વાહનોના યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા, આઉટડોર બેઠક વ્યવસ્થા, ઝૂલા, ગઝિબો, કાફે આઉટલેટ, ઓપન જિમ અને ઈ-ટોઇલેટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. બાળકો માટે 1 થી 5 અને 5 થી 10 વર્ષની વયજુથ મુજબ અલગ-અલગ પ્લે ઝોન બનાવાશે, જેમાં શોક-એબ્સોબિંગ રબર ફ્લોરિંગ સાથે સ્લાઈડ, ક્લાઈમ્બિંગ ફ્રેમ અને ઇન્ટરેક્ટિવ સાધનો મુકાશે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારની સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા અને પૂરતી લાઇટિંગની વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબહેન વ્યાસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાયલી-સેવાસી પાસે કેનાલ ફ્રન્ટ કોરિડોર બની રહ્યો છે ત્યાં આપણે હાલમાં લિનિયર પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટેનો ડીપીઆર પણ તૈયાર થઈ ચૂક્યો છે અને કેનાલની બાજુમાં નાગરિકો તેનો મહત્તમ સદુપયોગ કરી શકે તેવું આ આયોજન છે. હાલ આ પ્રોજેક્ટને સાકાર કરવા અંગે વિચારણા ચાલી રહી છે, જે વડોદરાવાસીઓ માટે આગામી સમયમાં એક અદ્ભુત ભેટ સાબિત થશે.
