વડોદરામાં બિલ્ડિંગનો પિલ્લર અને ગેલેરી ધરાશાયી! દુકાનો-લારીઓ પર પડ્યો કાટમાળ, યુવતી ઈજાગ્રસ્ત થઈ

વડોદરાના આજવા રોડ પર કમલાનગર તળાવ નજીક 'વલ્લભ આઈકોન' બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો, જેના કાટમાળ નીચે દુકાનો અને લારીઓ દબાઈ ગઈ. આ ઘટનામાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 28 Nov 2026 09:24 AM (IST)Updated: Sat, 28 Nov 2026 09:24 AM (IST)
vadodara-ajwa-road-building-pillar-gallery-collapse-girl-injured-debris-on-shops

Vadodara News: વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા કમલાનગર તળાવ નજીક અને મા હોસ્પિટલની સામે સ્થિત બિલ્ડિંગનો એક ભાગ અચાનક તૂટી પડવાની ગંભીર ઘટના બની છે. નીચે આવેલા શ્રીજી દર્શન કોમ્પ્લેક્સની ઉપર બનેલા 'વલ્લભ આઈકોન' કોમ્પ્લેક્સની આગળની ગેલેરી અને પિલ્લરનો હિસ્સો એકાએક ધરાશાયી થતાં નીચેની દુકાનો અને લારીઓ પર કાટમાળ ખાબક્યો હતો.

કાટમાળ પડતાં યુવતી ઈજાગ્રસ્ત થઈ

આ દુર્ઘટનામાં લારી પર બેઠેલી એક યુવતી ગ્રાહકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં ડૉક્ટરોએ સામાન્ય ઈજા હોવાનું જણાવી સીટી સ્કેન કરાવવાની સલાહ આપી છે.

ઘટના સમયે નીચેની મોટાભાગની દુકાનો અને લારીઓ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક વેપારીઓના મતે જો દુકાનો ધમધમતી હોત અને ગ્રાહકો કે રાહદારીઓની અવરજવર હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો

આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. દુકાનદાર દિલીપભાઈએ જણાવ્યું હતું કે, તેમની દુકાન બંધ હોવાથી કોઈ દબાયું નથી, પરંતુ દુકાન નજીકનો પિલ્લર અને ગેલેરી તૂટી પડ્યા છે તેમજ અન્ય ભાગોમાં પણ તિરાડો પડી છે. તેમણે બાંધકામમાં પોકળ કામગીરી થઈ હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

શું કહ્યું દુકાનદારોએ?

છેલ્લા 13-15 વર્ષથી નીચે આમલેટની લારી ચલાવતા કમલેશભાઈ શર્માએ જણાવ્યું કે, તેમની લારી પાસે બેઠેલા ગ્રાહકોમાંથી એક યુવતીને ઈજા થઈ છે. અગાઉ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરતા તેમણે બિલ્ડર હિતેશભાઈ હોવાનું જણાવી ઉપર રહેતા રહીશોને સુરક્ષા ખાતર નીચે ઉતરી આવવા અપીલ કરી છે.

બીજી તરફ, શ્રીજી દર્શનમાં દુકાન નં. 34 ધરાવતા દક્ષા સોલંકીએ જણાવ્યું હતું કે, કાટમાળ તેમની દુકાન પર પડ્યો છે. તેમણે સવારે જ સુપરવાઇઝર જય પંચાલને પિલ્લર વાંકા વળી જવા અને રેતી ખરવા અંગે જાણ કરી હતી. તેમણે બિલ્ડરનું નામ સંજય હોવાનું જણાવ્યું હતું. હાલ આ બિલ્ડિંગ 2017માં બન્યું હોવાનું તો કેટલાક વેપારીઓ 14-15 વર્ષ જૂનું હોવાનું જણાવી રહ્યા છે.