Vadodara Airport: વડોદરા એરપોર્ટ પશ્ચિમ ભારતનું મોટું એવિએશન હબ બનશે, ઈમિગ્રેશન, એર કાર્ગો અને ઈન્ટનરનેશનલ કનેક્ટિવિટીની જાહેરાત

વડોદરા એરપોર્ટ પશ્ચિમ ભારતનું મોટું એવિએશન હબ બનવા જઈ રહ્યું છે, જ્યાં એર કાર્ગો, ઇમિગ્રેશન અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વિકસાવાશે. આનાથી સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Jul 2026 06:03 PM (IST)Updated: Sun, 26 Jul 2026 06:03 PM (IST)
vadodara-airport-become-western-india-new-aviation-and-cargo-hub

Vadodara: વડોદરા અને મધ્ય ગુજરાતના આસપાસના સાત જિલ્લાઓના આર્થિક તેમજ સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ આપવા માટે વડોદરા એરપોર્ટને (Vadodara Airport) લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. એરપોર્ટને પશ્ચિમ ભારતનું મહત્વનું એવિએશન હબ બનાવવા માટે એર કાર્ગો, ઈમિગ્રેશન સેવાઓ અને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી વિકસાવવાની કામગીરી પૂરઝડપે શરૂ કરી દેવાઈ છે.

હાલમાં વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓના ઉદ્યોગકારોને આયાત-નિકાસ અને માલની હેરફેર માટે અમદાવાદ એરપોર્ટ સુધી 100 કિ.મી.થી વધુનું અંતર કાપવું પડતું હતું, જેનાથી સમય અને પરિવહન ખર્ચ બંને વધતા હતા.

હવે વડોદરા ખાતે જ અત્યાધુનિક એર કાર્ગો ફેસિલિટી શરૂ થવાથી સ્થાનિક ફાર્મા, એન્જિનિયરિંગ, ડાયમંડ અને એગ્રો ઉદ્યોગોને સીધો ફાયદો થશે અને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચ સરળ બનશે.

એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તર પર જોડવા માટે 'હબ એન્ડ સ્પોક' મોડલ પર કામગીરી હાથ ધરાઈ છે. આ સિસ્ટમ હેઠળ વડોદરાથી દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય હબ માટે વધુ ફ્લાઈટ્સ શરૂ કરાશે, જ્યાંથી વિદેશ જનારા મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળશે.

ભવિષ્યની આંતરરાષ્ટ્રીય ઉડાનને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ સુવિધા પણ શરૂ કરાશે. આ ઉપરાંત, રાત્રિ રોકાણ કરતી ફ્લાઈટ્સ હવે પરત વડોદરા એરપોર્ટ પર જ આવી શકે તેવી નવી ઓપરેશનલ સિસ્ટમ પણ વિકસાવાઈ રહી છે.

વડોદરા ફ્લાઈંગ ક્લબના રિન્યુઅલને મંજૂરીઃ પાયલોટ ટ્રેનિંગ અને એવિએશન કોર્સ શરૂ થશે


બીજી તરફ એવિએશન ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા યુવાનો માટે પણ સારા સમાચાર છે. લાંબા સમયથી બંધ પડેલી વડોદરા ફ્લાઈંગ ક્લબના રિન્યુઅલને મંજૂરી મળી ગઈ છે. જેથી પાયલોટ ટ્રેનિંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને એવિએશન કોર્સ ફરી શરૂ થશે, જેનાથી સ્થાનિક સ્તરે જ રોજગારીની નવી તકો ઊભી થશે.

એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક સાંસદ ડૉ. હેમાંગ જોશીના સક્રિય પ્રયાસોથી લેવાયેલા આ નિર્ણયોને કારણે વડોદરા હવે માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે પણ એક મોટું કેન્દ્ર બનીને ઊભરશે.