રાજકોટ એરપોર્ટ પર રનવે નજીક આગ લાગતાં દિલ્હી-રાજકોટ ફ્લાઇટનું વડોદરામાં ઇમરજન્સી લેન્ડિંગ

હીરાસર એરપોર્ટ પર રનવે નજીક આગ અને ધુમાડાને કારણે દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું વડોદરામાં ડાયવર્ઝન કરાયું. સ્થિતિ સામાન્ય થયા બાદ ફ્લાઇટ રાજકોટ પહોંચી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 01:58 PM (IST)Updated: Thu, 29 Oct 2026 01:58 PM (IST)
rajkot-airport-runway-fire-delhi-rajkot-air-india-flight-emergency-landing-vadodara

Vadodara News: રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પક્ષીઓને દૂર ભગાડવા માટે ફોડવામાં આવેલા ફટાકડાના કારણે એક મોટી હોનારત ટળી હતી. ફટાકડાના તણખા રનવે પાસેના સૂકા ઘાસમાં પડતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. થોડી જ વારમાં આગના લીધે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના પરિણામે રનવે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી. આ સ્થિતિને કારણે એરપોર્ટ પર લેન્ડિંગની સુરક્ષા જોખમાઈ હતી.

દિલ્હીથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ નિર્ધારિત સમયે એટલે કે સવારે 10:25 વાગ્યે પહોંચવાની હતી. જોકે, રનવે પર ધુમાડો વધુ હોવાથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા લેન્ડિંગ ક્લિયરન્સ આપવામાં આવ્યું નહોતું. સુરક્ષાના પગલે પાયલોટે વિમાનને હવામાં જ ચાર ચક્કર મારવા પડ્યા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ એરપોર્ટના ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

પરંતુ, લાંબો સમય રાહ જોયા બાદ પણ દૃશ્યતામાં કોઈ સુધારો ન થતાં, આખરે પાયલોટે ફ્લાઇટને વડોદરા વાળી દઈ ત્યાં એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવી હતી. વડોદરામાં સુરક્ષિત લેન્ડિંગ થતાં વિમાનમાં સવાર 100થી વધુ મુસાફરોએ આશકારો અનુભવ્યો હતો. સ્થિતિ સામાન્ય થયા બાદ વડોદરાથી આ ફ્લાઇટ ફરી રાજકોટ માટે રવાના થઈ હતી અને બપોરે 12:20 વાગ્યે રાજકોટ ઉતરી હતી. ત્યારબાદ, આ વિમાન બપોરે 1:11 વાગ્યે રાજકોટથી દિલ્હી માટે રવાના થઈ શક્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમને લીધે 100થી વધુ મુસાફરોને કલાકો સુધી વિલંબ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટના બાદ એરપોર્ટ પર પક્ષી નિયંત્રણ માટે વપરાતી પદ્ધતિઓ અને રનવે આસપાસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. જોકે, આગનું કારણ અને ફ્લાઇટ ડાયવર્ટ કરવા અંગે એરપોર્ટ પ્રશાસન કે સંબંધિત સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઘટનાની યોગ્ય તપાસ અને સત્તાવાર પુષ્ટિ બાદ જ જવાબદાર લોકો સામે સ્પષ્ટતા થઈ શકશે